Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 55

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

ગીતશાસ્ત્ર 138:1-139:23

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
    અને તમે મારા વિષે બધું જાણો છો.
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
    મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
    હું જે બધું કરું છું તે તમે જાણો છો.
હું બોલું તે અગાઉ તમે જાણો છો,
    કે હું શું કહેવા ઇચ્છુ છું.
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
    અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
    તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
    તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
    જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
જો હું પરોઢિયાની પાંખો પર
    સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
    તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
    તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
    તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
    અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
    અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
    માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
    હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
    ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
    અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
    જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
    તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
    અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
    દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
    અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
    અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
    અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
    તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
    જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
    હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
    મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

નહેમ્યા 4

સાન્બાલ્લાટ અને ટોબિયા

અમે યરૂશાલેમની દીવાલનું બાંધકામ ફરીથી કરી રહ્યા હતા તેવી ખબર સાન્બાલ્લાટને પડી ત્યારે તે અસ્વસ્થ થઇ બહુ રોષે ભરાયો, અને તેણે યહૂદીઓની હાંસી ઉડાવી. તે પોતાના મિત્ર અને સમરૂનની સૈનાની સામે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યાં છે? શું તેઓ આને ફરીથી નવું બનાવશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પુરું કરી નાખશે? શું તેઓ ધૂળ ઢેફાંના ઢગલામાંથી ફરીથી પથ્થર બનાવશે જે બળીને રાખ થઇ ગયા છે?”

આમ્મોની ટોબિયા જે તેની બાજુમાં ઊભો હતો, તેણે કહ્યું, “તેઓ બાંધી રહ્યાં છે તે દીવાલ પર એક શિયાળવું ચઢે તોય તે તૂટી પડશે!”

ત્યારે મેં મારી પ્રાર્થનામાં કહ્યું, “જુઓ હે અમારા દેવ, અમારી મશ્કરી કરવામાં આવે છે; તેઓના ઉપહાસને તેમના જ માથે માર અને તેઓ પોતાની જાતેજ, તેઓને વિદેશમાં બંદીવાસમાં લઇ જવામાં આવો. તેઓનાં પાપ ના સંતાડો. તેઓના પાપ ભૂંસી નાખશો નહિ, કારણકે તેઓએ બાંધનારાઓનું તેમના મોઢા પર જ અપમાન કર્યું છે.”

તેથી અમે તો દીવાલ બાંધતા જ રહ્યાં અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે, સમગ્ર દીવાલ તેની નિર્ધારિત ઊંચાઇથી અડધી તો જોતજોતામાં બંધાઇ ગઇ.

પરંતુ જ્યારે સાન્બાલ્લાટ અને ટોબિયાને, આરબો, આમ્મોનીઓ અને આશ્દોદીઓને જાણ થઇ કે, યરૂશાલેમનાં દીવાલની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને દીવાલમાં પડેલા ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઇ ગયા. તેઓ બધાં ભેગા થયા અને યરૂશાલેમ વિરૂદ્ધ લડવા માટે અને એમને નિષ્ફળ બનાવવા માટે કાવત્રું કર્યુ. પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.

10 યહૂદાના લોકોએ કહ્યું કે, “મજૂરોની શકિત ઘટતી જાય છે, અને ત્યાં એટલી બધી ગંદકી છે કે આ દીવાલ અમે ફરી બાંધી શકતા નથી. 11 અમારા શત્રુઓએ કહ્યું, ‘આપણે તેમના પર તૂટી પડીશું અને તેમને ખબર પડે અને જુએ તે પહેલાં તેમને મારી નાખીશું. આપણે કામ પણ અટકાવી દઇશું.’”

12 તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતાં હતાં, તેઓએ અમારી પાસે વારંવાર આવીને કહ્યું કે, “તેઓ જ્યાં રહે છે ત્યાથી આવી રહ્યાં છે આપણી વિરૂદ્ધ ભેગા થઇ રહ્યાં છે.”

13 તેથી મેં દીવાલની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં બેસાડ્યાં અને લોકોને તેઓનાં વંશો પ્રમાણે, તરવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે તેમને શસ્રસજ્જ કર્યા. 14 જ્યારે મેં જોયું કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.”

15 જ્યારે અમારા વિરોધીઓને ખબર પડી કે અમને તેઓના કાવત્રાની જાણ થઇ ગઇ છે અને યહોવાએ તેઓની યોજના નિષ્ફળ બનાવી છે. પછી અમે સર્વ દીવાલ સમારવા ગયા. 16 તે દિવસથી મારા માણસોના અડધા માણસો બાંધકામ કરતા અને બાકીના ભાલા ઢાલ. તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરતા ઊભા રહેતા. અને યહૂદાના બધાં લોકોને આગેવાનો તેમની જોડે રહીને પીઠબળ પુરું પાડતાં. 17 જેઓ દીવાલ બાંધતા હતા તેઓ, અને વજન ઉપાડતા હતા તેઓ બધાં એક હાથથી કામ કરતાં, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતાં; 18 બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવેલી રાખી કામ કરતા હતા, મારી બાજુમાં રણશિંગડું ફૂંકનાર હતો. 19 મેં ઉમરાવો, અધિકારીઓ, અને બાકીના લોકોને ઉદૃેશીને કહ્યું, “કામ મોટું છે અને ખૂબ ફેલાયેલું છે, આપણે દીવાલની ફરતે ઘણાં દૂર સુધી પથરાયેલા છીએ. 20 તમે જ્યાં પણ હો જ્યારે રણશિંગડાનો અવાજ સાંભળો ત્યારે એકીસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઇ જજો, આપણા દેવ આપણા માટે યુદ્ધ લડશે.”

21 આ પ્રમાણે અમે નિર્માણનું કામ કરતા; અને અમારાંમાંના અડધા સવારથી રાતે તારા નીકળતા સુધી અડધા હાથમાં ભાલા લઇને ચોકી કરતા.

22 મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક પુરુષ અને તેનો મદદગાર યરૂશાલેમમાં જ રહે, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.” 23 આમ, હું મારા સગાંવહાંલા, મારા સેવકો મારી પાછળ ચાલતા અંગરક્ષકો કોઇ કદી કપડા ઉતારતા નહિ, અને જ્યારે અમે પાણી મેળવવા જતાં ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો પકડી રાખતાં.

પ્રકટીકરણ 7:4-17

કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.

યહુદાના કુળમાંથી12,000
રુંબેનના કુળમાંથી12,000
ગાદના કુળમાંથી12,000
આશેરના કુળમાંના12,000
નફતાલીના કુળમાંથી12,000
મનાશ્શાના કુળમાંથી12,000
શિમયોનના કુળમાંથી12,000
લેવીનાં કુળમાંથી12,000
ઇસ્સાખારના કુળમાંથી12,000
ઝબુલોનના કુળમાંથી12,000
યૂસફના કુળમાંથી12,000
અને બિન્યામીનના કુળમાથી12,000

પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા આ લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”

11 ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી. 12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”

13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”

14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”

અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”

માથ્થી 13:31-35

ઈસુ બીજી દૃષ્ટાંત કથાઓ સાથે શિક્ષણ આપે છે

(માર્ક 4:30-34; લૂ. 13:18-21)

31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું. 32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.”

33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”

34 ઈસુએ લોકોને દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો. તેણે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કર્યા સિવાય કદીયે ઉપદેશ આપ્યો નથી. 35 આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:

“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ;
    અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” (A)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International