Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 40

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
    તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
    તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
    અને મારા પગલા સ્થિર કર્યા.
તેમણે આપણા દેવનું સ્તોત્ર,
    મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
    અને યહોવા પર ભરોસો રાખશે.
જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
    તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
    તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
    હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
    તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
    તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
    ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
    તમારો નિયમ મારા હૃદયમાં છે.”
એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
    હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
    મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
    અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
    તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.

12 કારણ, મારા માથે સમસ્યાઓનો
    ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
    હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
    મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
    હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
    તેઓ ફજેત થાઓ
    અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
    તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
    તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
    ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”

17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
    હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
    માટે હવે વિલંબ ન કરશો.

ગીતશાસ્ત્ર 54

નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.

હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
    અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
    મારા મોઢાંની વાતો કાને ઘરો.
વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
    મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.

યહોવા દેવ, મને સહાય કરનાર છો,
    મારા જીવનનો એજ આધાર છે.
યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
    હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
    હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
    મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીતશાસ્ત્ર 51

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
    અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
    અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
    દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.

નહેમ્યા 2

રાજાનું નહેમ્યાને યરૂશાલેમ મોકલવું

વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. આ અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો ન હતો. તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”

આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો. છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”

રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”

ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી. અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”

રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?”

આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! ત્યારબાદ મેં રાજાને કહ્યું, “જો આ વાત રાજાને પ્રસન્ન કરે તો મને ફ્રાંત નદીની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબાઓ પર પત્રો આપજો, જેથી તેઓ મને પોતાના પ્રદેશમાંથી પસાર થઇને યહૂદામાં જવા દે. તથા બીજો એક પત્ર રાજાના વનરક્ષક આસાફ પર પણ આપશો જેથી તે મંદિરની નજીકના કિલ્લાનો દરવાજો ફરી બાંધવા માટે, નગરની દીવાલ માટે, અને મારા ઘર માટે, ઇમારતી લાકડું આપે.”

મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.

પછી હું યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રાંતોમાં આવ્યો અને ત્યાંના પ્રશાસકોને મેં રાજાના પત્રો આપ્યા. રાજાએ મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા. 10 પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.

યરૂશાલેમની દીવાલનું નિરીક્ષણ કરતો નહેમ્યા

11 ત્યારબાદ હું યરૂશાલેમ પહોંચ્યો, અને ત્યાં ત્રણ દિવસ રહ્યો. 12 જ્યારે રાત્રે હું ઉઠયો તો થોડા માણસો લઇને બહાર નીકળ્યો; યહોવાએ યરૂશાલેમ વિષે મારા હૃદયમાં જે યોજના મૂકી હતી તેના વિષે મેં કોઇને કશુંય જણાવ્યું નહોતું, હું જે જાનવર પર સવાર હતો ફકત તે એક જ જાનવર મારી સાથે હતું. 13 રાત્રે હું ખીણનો દરવાજો પસાર કરીને અજગરકુંડ થઇને છેક કચરાના દરવાજા સુધી ગયો; તેમ જતાં રસ્તામાં મેં યરૂશાલેમની દીવાલમાં પડેલા ભંગાણ અને તેના બળી ગયેલા દરવાજાનું નિરક્ષણ કર્યું. 14 પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજામાંથી પસાર થઇને રાજાના તળાવ તરફ ગયો. પણ હું જે જાનવર પર સવાર હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી. 15 તેથી હું અંધકારમાં દીવાલનું નિરક્ષણ કરતો ખીણ સુધી ગયો. પછી હું પાછો વળ્યો અને ખીણના દરવાજામાંથી પ્રવેશીને પાછો ફર્યો. 16 અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.

17 પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરૂશાલેમ ખંડેર બનીને પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે; ચાલો, આપણે યરૂશાલેમને ફરતી દીવાલો બાંધીએ, જેથી આપણે વધારે ધિક્કારપાત્ર ન થઇએ.”

18 મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ. 19 પરંતુ હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની અધિકારી ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “આ શું છે જે તમે કરી રહ્યાં છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”

20 ત્યારે મેં તેઓને જવાબ આપ્યો કે, “આકાશના દેવ અમને સફળતા આપશે. અમે તેના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરવાના છીએ. પરંતુ તમારે અહીં યરૂશાલેમમાં તમારો કોઇં ભાગ નથી, કોઇ દાવો નથી, કે નથી કોઇ અધિકાર!”

પ્રકટીકરણ 6:12-7:4

12 જ્યારે તે હલવાને છઠી મુદ્રા તોડી પછી મેં જોયું. તો ત્યાં મોટો ધરતીકંપ થયો હતો. વાળમાંથી બનાવેલા કાળા કામળા જેવો સૂર્ય કાળો બની ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. 13 જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. 14 આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.

15 પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા. 16 તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો! 17 કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”

ઈસ્રાએલના 1,44,000 લોકો મુદ્રિત

આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા. પછી મેં બીજા એક દૂતને પૂર્વમાંથી આવતા જોયો. તે દૂત પાસે જીવતા દેવની મુંદ્રા હતી. તે દૂતે મોટા સાદે બીજા ચાર દૂતોને બોલાવ્યા. આ તે ચાર દૂતો હતા જેમને દેવે પૃથ્વી અને સમુદ્રને ઉપદ્ધવ કરવાની સત્તા આપી હતી. તે દૂતે ચાર દૂતોને કહ્યું કે, “જ્યાં સુધી આપણા દેવના સેવકોને અમે મુદ્રિત ન કરી રહીએ. ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને નુકસાન કરશો નહી. આપણે તેઓના કપાળ પર મુદ્રા અંકિત કરવાની છે.”

કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.

માથ્થી 13:24-30

ઘઉ અને નકામા છોડ વિષે વાર્તા

24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી. 25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો. 26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા. 27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’

28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’

“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’

29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો. 30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International