Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 63

દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
    જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
    ને દેહ તલપે છે.
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
    પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
    તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
    ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
    અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
    આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે મને સહાય કરી છે,
    અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
    તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
    તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
    અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
    તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.

ગીતશાસ્ત્ર 98

સ્તુતિગીત.

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
    કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
    પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
    તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
    બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
    આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
    આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
    સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
    ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
    આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
    યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
    તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

ગીતશાસ્ત્ર 103

દાઉદનું ગીત.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
    ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
    અને તારાં સર્વ રોગ મટાડે છે.
અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
    અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
    જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
જેઓ જુલમથી હેરાન થયેલા છે,
    તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
    અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
    તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
    પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
    અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
    તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
    તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
    એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
    તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
    માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
    અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
    અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
    અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
    અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
    અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
    અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
    તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
    જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
    તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
    હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!

હાગ્ગાય 1:1-2:9

મંદિરના જીણોર્દ્ધાર માટે આહ્વાન

દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો. સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”

ત્યારે પ્રબોધક હાગ્ગાય મારફતે યહોવાએ લોકોને કહેવડાવ્યું કે, “આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું? ‘તમારી શી દશા છે તેનો વિચાર કરો. આ સૈન્યોનો દેવ યહોવા કહે છે. તમે ઘણું વાવ્યું છે, પણ ઘેર તો થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઇને નહિ, તમે પીઓ છો ખરા પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઇમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.’”

સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “તમે જે રીતે ર્વત્યા છો અને તેનું જે પરિણામ આવ્યું છે, તેનો વિચાર કરો! અને પર્વતો પર જાઓ, લાકડાં લઇ આવો. અને મારા મંદિરને ફરી બાંધો. તેનાથી મને આનંદ થશે ત્યાં મારું સન્માન થશે.”

આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો. 10 તેથી જ હું આકાશમાંથી આવતી ઝાકળને રોકી રાખું છું અને તમને બહુ જ ઓછો પાક આપું છું.

11 “હકીકતમાં હું સપાટ પ્રદેશમાં અને પહાડી પ્રદેશમાં દુકાળ લાવ્યો છું. અનાજ, દ્રાક્ષો, તેલવૃક્ષો અને અન્ય પાક સુકાઇ જાય તેવો દુકાળ, તમે અને તમારાં પશુઓ નબળા પડી જશો અને તમારા તમામ પાકને તેની અસર થશે.”

નવા મંદિરનું કાર્ય આરંભ

12 ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.

13 પછી યહોવા દેવે તેમના સંદેશાવાહક હાગ્ગાય દ્વારા ફરીથી સંદેશો મોકલીને કહ્યું કે, “હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ.”

14 ત્યારે યહોવા દેવે યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું; 15 પછી દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની ચોવીસમી તારીખે તેઓએ આવીને પોતાના સૈન્યોનો દેવ, યહોવાના મંદિરનું કામ શરૂ કરી દીધું.

નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ

એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે, ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી? તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

“‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’ કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ. હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’ એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે. તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”

પ્રેરિતોનાં કૃત્યો 18:24-19:7

એફેસસ અને અખાયા (કરિંથ) માં અપોલોસ

24 એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો. 25 અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું. 26 અપોલોસે સભાસ્થાનમાં બહુ બહાદુરીપૂર્વક બોલવાનું શરું કર્યુ. પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેનો બોધ સાંભળ્યો. તેઓ તેને તેઓના ઘેર લઈ ગયા અને દેવનો માર્ગ વધારે સારી રીતે તેમને સમજવામાં મદદ કરી.

27 અપોલોસ અખાયાના પ્રદેશમાં જવા ઈચ્છતો હતો. તેથી એફેસસના ભાઈઓએ તેમને મદદ કરી. તેઓએ અખાયામાં ઈસુના શિષ્યોને પત્ર લખ્યો. તેઓએ પત્રમાં આ શિષ્યોને અપોલોસને સ્વીકારવા કહ્યું. અખાયાના આ શિષ્યો દેવની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરતા હતા. જ્યારે અપોલોસ ત્યાં ગયો, તેણે તેઓને ઘણી મદદ કરી. 28 તેણે બધા લોકોની આગળ યહૂદિઓની વિરૂદ્ધ ખૂબ મજબૂત દલીલો કરી. અપોલોસ સ્પષ્ટ રીતે સાબિત કર્યુ કે યહૂદિઓ ખોટા હતા. તેણે ધર્મશાસ્ત્રોનો ઉપયોગ કર્યો અને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.

એફેસસમાં પાઉલ

19 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા. પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”

આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”

તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”

તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”

પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”

જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા. પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા. ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.

લૂક 10:25-37

ભલા સમરૂનીનું ઉદાહરણ

25 પછી એક કાયદાનો પંડિત ઊભો થયો. તે ઈસુનું પરીક્ષણ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું, “ઉપદેશક, અનંતજીવનની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ?”

26 ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?”

27 તે માણસે ઉત્તર આપ્યો, “‘તારે પ્રભુ તારા દેવ પર પૂર્ણ હ્રદયથી તથા તારા પૂરા જીવથી તથા તારા પૂર્ણ સામથ્યૅથી તથા તારા પૂર્ણ મનથી પ્રીતિ કરવી જોઈએ.’(A) તથા, ‘તમે તમારી જાતને જેવો પ્રેમ કરો છો તેવો જ તમારા પડોશી પર પ્રેમ રાખવો.’”(B)

28 ઈસુએ તેને કહ્યું, “તારો ઉત્તર ખરો છે. એ જ કરો તેથી તને અનંત જીવન મળશે.”

29 પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?”

30 આ પ્રશ્રનો ઉત્તર આપતા ઈસુએ કહ્યું, “એક માણસ યરૂશાલેમથી યરેખોના રસ્તેથી જતો હતો. કેટલાએક લૂંટારાઓએ તેને ઘેર્યો. તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધાં અને માર્યો. પછી તે લૂંટારાઓ તે માણસને જમીન પર પડેલો છોડીને ચાલ્યા ગયા. તે લગભગ મરી ગયો હતો.

31 “એવું બન્યું કે એક યહૂદિ યાજક તે રસ્તા પરથી પસાર થતો હતો. જ્યારે યાજકે તે માણસને જોયો તે તેને મદદ કરવા રોકાયો નહિ, તે દૂર ચાલ્યો ગયો. 32 પછી, લેવી[a] નજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો.

33 “પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો. તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો. સમરૂનીએ તે માણસને જોયો. તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી. 34 તે સમરૂની તેની પાસે ગયો અને તેને ઘા પર ઓલિવનું તેલ અને દ્ધાક્ષારસ રેડ્યો. પછી તેણે તે માણસના ઘા પર પાટો બાંધ્યો. સમરૂની પાસે એક ગધેડા હતો. તેણે તે ઇજાગ્રસ્ત માણસને તેના ગધેડા પર બેસાડ્યો અને તેને ધર્મશાળામાં લઈ ગયો. ધર્મશાળામાં સમરૂનીએ તેની માવજત કરી. 35 બીજે દિવસે, સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા. સમરૂનીએ કહ્યું, ‘આ ઇજા પામેલા માણસની માવજત કરજે. જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ.’”

36 પછી ઈસુએ કહ્યું, “હવે લૂંટારાઓથી ઇજા પામેલા પેલા માણસ પર આ ત્રણ માણસોમાંથી (યાજક, લેવી, સમરૂની) ક્યા માણસે પ્રેમ દર્શાવ્યો. તું શું વિચારે છે?”

37 કાયદાના પંડિતે ઉત્તર આપ્યો, “તે એક કે જેણે તને મદદ કરી,”

ઈસુએ તેને કહ્યું, “તો પછી તું જા અને જઇને બીજા લોકો માટે એ પ્રમાણે કર.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International