Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

યશાયા 28:9-16

દેવ પોતાના લોકોને મદદ કરવા ઇચ્છે છે

લોકો કહે છે, “યશાયા પોતાના મનમાં શું સમજે છે કે આપણી સાથે આ પ્રમાણે વાત કરે? અમે શું હમણા જ બોલતા શીખ્યા હોય એવા નાનાં બાળકો છીએ?” 10 પણ તે આ પ્રમાણે સંભળાશે,

“ત્સવ, લે સ્તવ,[a] સ્તવ, લે સ્તવ,
કવ, લેકવ, કવ, લેકવ,
ઝર શામ, ઝર શામ!”

11 એટલે યહોવા આ લોકોની સાથે વાત કરશે, તેમને પાઠ ભણાવવા અન્ય ભાષા બોલનાર વિદેશીઓને મોકલશે.

12 તેણે તેઓને કહ્યું હતું કે, “અહીં વિશ્રામ છે. થાક્યા હોય તે વિશ્રામ કરે. અહીં શાંતિ છે,”

પણ તેમણે કાને ન ધર્યુ. 13 તેથી હવે યહોવાના શબ્દો પણ તેમનેઆ પ્રમાણે સંભળાશે,

“ત્સ, લેત્સવ, સ્ત, લેસ્તવ,
કવ, લેકવ, કવ, લેકવ,
ઝર શામ, ઝર શામ.”

તેથી તેઓ પોતાના રસ્તે જવાનું રાખે, અને ઠોકર ખાઇને પાછા પડે, તૂટી પડે અને સપડાવીને કબ્જે કરાય.

દેવના ન્યાયથી કોઇ નથી બચી સકતું

14 માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો! 15 કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.

16 તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી.

એફેસીઓ 4:1-16

શરીરની એક્યતા

હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો. હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો. આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે. એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે. દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.

ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે,

“તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો,
    અને લોકોને દાન આપ્યાં.” (A)

“તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. 10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો. 11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.

14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.

ગીતશાસ્ત્ર 116-117

યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
    અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
    માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
    મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
    અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
    “હે યહોવા મને બચાવો.”
યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
    આપણા દેવ ખરેખર માયાળુ છે.
યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
    હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
હે મારા આત્મા, વિશ્રામ કરો!
    કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
તમે મારા પ્રાણને મૃત્યુથી
    અને મારી આંખોને આંસુથી
    અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
હું જીવલોકમાં જીવતો રહીશ;
    અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.

10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
    ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
    “સર્વ માણસો જૂઠાઁ છે.”

12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
    હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
    હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
    અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
    તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.

15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
    મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
    હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
    તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
    અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
    તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
    મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.

યહોવાની સ્તુતિ થાઓ.

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
    બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
    યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!

યહોવાની સ્તુતિ હો.

યોહાન 14:15-31

પવિત્ર આત્માનું વચન

15 “જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો. 16 હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધક[a] આપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે. 17 તે સંબોધક સત્યનો આત્મા[b] છે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.

18 “હું માતા પિતા વિનાના બાળકોની જેમ તમને બધાને એકલા છોડીશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. 19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું. 20 તે દિવસે તમે જાણશો કે હું પિતામાં છું. તમે જાણશો કે તમે મારામાં છો અને હું તમારામાં છું. 21 જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે. પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ. હું મારી જાતે તેને બતાવીશ.”

22 પછી યહૂદાએ (યહૂદા ઈશ્કરિયોત નહિ) કહ્યું, “પણ પ્રભુ, તું શા માટે અમારી આગળ પ્રગટ થવાની યોજના કરે છે, પણ જગત આગળ નહિ?”

23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો તે મારા વચનનું પાલન કરશે. મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરશે. મારા પિતા અને હું તે વ્યક્તિ પાસે આવીશું અને તેની સાથે રહીશું. 24 પણ જે વ્યક્તિ મને પ્રેમ કરતો નથી. તે મારા વચનનું પાલન કરતો નથી, આ વચન જે તમે સાંભળો છો તે ખરેખર મારું નથી. તે જેણે મને મોકલ્યો છે તે મારા પિતાનું છે.

25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું. 26 પરંતુ સંબોધક તમને બધું જ શીખવશે. મેં જે બધી બાબતો તમને કહીં છે તેનું સ્મરણ સંબોધક કરાવશે. આ સંબોધક પવિત્ર આત્મા છે જેને પિતા મારા નામે મોકલશે.

27 “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. 28 તમે મને સાંભળ્યો, જો તમને કહ્યું છે કે, ‘હું વિદાય થાઉં છું, પણ હું તમારી પાસે પાછો આવીશ.’ જો તમે મને પ્રેમ કરશો તો તમે સુખી થશો. હું પાછો પિતા પાસે જાઉં છું. શા માટે? કારણ કે હું છું તેના કરતાં પિતા વધારે મહાન છે. 29 મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો.

30 “હું તમારી સાથે વધારે લાંબો સમય વાત કરીશ નહિ. જગતનો શાસક (શેતાન) આવે છે. તેને મારા પર અધિકાર નથી. 31 પરંતુ જગતે જાણવું જોઈએ કે હું પિતાને પ્રેમ કરું છું. તેથી પિતાએ મને જે કરવા કહ્યું છે તે બરાબર કરું છું.

“આવો. આપણે આ જગ્યા છોડીશું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International