Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 38

સંભારણું- દાઉદનું ગીત.

હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
    અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
    અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
    મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
    ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
    અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
    અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
    અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
    હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
    મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
    આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
    અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
    મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
    પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
    પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
    હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
    હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
    મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
    મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
    અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
    જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
    અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
    હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
    તમે જલદી આવો અને મને મદદ કરો!

ગીતશાસ્ત્ર 119:25-48

દાલેથ

25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
    તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
    મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
    જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
    તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
    કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
    તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
    મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
    કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે

33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
    અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
    એટલે હું તમારા નિયમ પાળીશ;
    હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
    કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
    કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
    અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
    તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
    કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
    મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

વાવ

41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
    મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
    હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
    હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
    તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
    અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
    તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
    હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.

યર્મિયાનો વિલાપ 2:8-15

તેણે સિયોનનગરીની દીવાલો
    તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે,
તેણે તેનુ માપ લીધું હતુ
    અને તેને તોડી પાડતાં થોભ્યો નહિ,
તેણે કિલ્લાની અંદરની અને બહારની દીવાલોને તોડી પાડી.
    એક સાથે તે બધી નાશ થઇને પડી હતી.

તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે,
    તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે,
પ્રબોધકોને પણ યહોવા તરફથી
    દર્શન મળતું ન હતું.

10 જુઓ, સિયોન નગરનાં આગેવાનો,
    ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે.
તેમણે માથા પર ધૂળ નાખી છે.
    તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે.
અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં,
    દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!

11 રડી રડી આંખોનું તેજ ઘટી ગયું છે,
    ને મારા આંતરડા કકળી ઊઠયા છે,
મારું હૃદય, લોકોના નાશને જોઇને ઓગળી રહ્યું છે;
    નગરનાં બાળકો રાજમાર્ગ પર મૂછિર્ત થઇ પડ્યા છે.
12 તેઓ પોતાની માતા
    પાસે રોટલી અને દ્રાક્ષારસની માંગણી કરે છે;
જ્યારે તેઓ ઘવાયેલાઓની જેમ બેભાન થઇને શહેરની ગલીઓમાં પડ્યા છે,
    અથવા જ્યારે તેઓ પોતાની માતાની છાતી પર મૃત્યુ પામે છે.
13 તને શું કહું? હે યરૂશાલેમનગરી;
    હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું?
તને કોની સાથે સરખાવી?
    તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?

14 તમારા પ્રબોધકોએ કહ્યું કે
    તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે
અને તને છેતરે છે,
    અને તને તારા અપરાધો વિષે ન કહીને
તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.

15 હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો
    તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે;
માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે,
    “શું આ એ જ સુંદરતાની મૂર્તિ
    અને જગતની આનંદનગરી છે!”

1 કરિંથીઓ 15:51-58

51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. 52 અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. 53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ. 54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:

“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.” (A)

55 “મરણ તારો વિજય ક્યાં છે?
મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?” (B)

56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. 57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.

58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

માથ્થી 12:1-14

કેટલાક યહૂદીઓ ઈસુની ટીકા કરે છે

(માર્ક 2:23-28; લૂ. 6:1-5)

12 તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા. ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.”

ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું? દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો? શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી? હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે. શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત.

“આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”

ઈસુ માણસના અપંગ હાથને સાજો કરે છે

(માર્ક 3:1-6; લૂ. 6:6-11)

ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો. 10 ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”

11 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો? 12 ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.”

13 પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો. 14 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International