Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 140

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
    જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
    ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
    અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
    જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
    એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
    આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
    તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
    હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
    યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
    તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
    નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
    મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
    તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
    અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
    અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
    તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
    અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
    કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર 142

દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
    અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
    અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
હું બેહોશ થવાનો હોઉં,
    ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
    તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

જ્યારે હું આજુબાજુ જોઉં છું,
    હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
    અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
    “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
    આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
મારા પોકારો સાંભળો,
    કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
    કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
મને બંદીવાસમાંથી બહાર લાવો,
    જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
    મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

ગીતશાસ્ત્ર 141

દાઉદનું ગીત.

હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
    કારણકે, મેં પ્રાર્થના કરી છે.
    મદદ માટેનો પોકાર સાંભળો.
મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
    મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

હે યહોવા, મારા મુખને બંધ રાખવા
    અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
    જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
    અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
    હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
    હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
    તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
    તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
    હું તમારો વિશ્વાસ કરું છું.
    મારા આત્માનો નાશ ન થવા દો.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
    અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
    અને તમે મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 143

દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
    મારી આજીજીનો જવાબ આપો
    અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
    કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
    તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
    જાણે હું મરી ગયો હોઉં તેમ.
માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
    અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
    તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
    તેનું મનન કરું છું.
હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
    સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
    હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
    હું મૃત્યુ પામીશ.
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
    કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
    હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
    સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
    કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
    તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
    અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.

2 રાજાઓનું 23:36-24:17

36 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબીદાહ હતું અને તે રૂમાહના પેદાયાની પુત્રી હતી. 37 યહોયાકીમે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.

રાજા નબૂખાદનેસ્સાર યહૂદા આવ્યો

24 યહોયાકીમે રાજાના અમલ દરમ્યાન બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ પર ચઢી આવ્યો. યહોયાકીમ તેને તાબે થઈ ગયો. પરિણામે ત્રણ વર્ષ પર્યંત તેને વસૂલી ભરવી પડી, પણ પછી તેણે બંડ કર્યું. આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.

યહૂદાની આવી સ્થિતી એક જ કારણથી થઈ હતી. તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિર્દોષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.

યહૂદાના રાજા યહોયાકીમનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાર્યો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. તે મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.

મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.

યરૂશાલેમ પ્રાપ્ત કરતો નબૂખાદનેસ્સાર

યહોયાખીન ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 3 મહિના રાજ કર્યુ, તેની માતાનું નામ નહુશ્તા હતું અને તે યરૂશાલેમના એલ્નાથાનની પુત્રી હતી. યહોયાખીને તેના પિતાની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

10 તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરો ઘાલ્યો. 11 તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો. 12 અને યહૂદાનો રાજા યહોયાખીન, તેની મા, તેના અમલદારો, તેના આગેવાનો અને દરબારીઓ સૌ બાબિલના રાજા પાસે ગયાં અને બાબિલના રાજાએ તેમને પકડીને કેદ કર્યા. નબૂખાદનેસ્સાર રાજા હતો ત્યારે તેના શાસનના 8મેં વર્ષે આ બન્યું.

13 નબૂખાદનેસ્સાર, યહોવાએ અગમવાણી જણાવ્યા મુજબ, યહોવાના મંદિરના તેમજ રાજમહેલના બધા ખજાના ઉપાડી ગયો, અને તેણે ઇસ્રાએલના રાજા સુલેમાને બનાવડાવેલા બધાં સોનાના વાસણો પણ દૂર કર્યા, તેણે જેમ યહોવાએ કીધું હતું તેમજ કર્યું.

14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો. 15 યહોયાખીનને તેની માને તેના દરબારીઓને અને દેશના બધા આગળ પડતા માણસોને તે યરૂશાલેમથી બાબિલ લઈ ગયો. 16 વળી તે દેશના 7,000 બળવાન માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા તેમને બાબિલ દેશવટે લઈ ગયો.

રાજા સિદકિયા

17 બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.

1 કરિંથીઓ 12:12-26

ખ્રિસ્તનું શરીર

12 એક વ્યક્તિનું શરીર તો એક જ છે, પરંતુ તેના અવયવો ઘણા છે. હા, શરીરને ઘણા અવયવો છે, પરંતુ બધાજ અવયવો ફક્ત એક જ શરીરને ઘડે છે. ખ્રિસ્ત પણ તે પ્રમાણે જ છે: 13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.

14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે. 15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી. 16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી. 17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત. 18-19 પણ દેવે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો દરેક ભાગ જુદા હોય તો શરીર શરીર રહેતું નથી. પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? 20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે.

21 આંખ હાથને નથી કહી શકતી કે “મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.” 22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે. 23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. 24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે. 25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. 26 જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.

માથ્થી 9:27-34

ઈસુએ વધુ લોકોને સાજા કર્યા

27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”

28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”

29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.” 30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.” 31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.

32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો. 33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”

34 પરંતુ ફરોશીઓએ કહ્યું, “તે (ઈસુ) અશુદ્ધ આત્માના સરદાર (શેતાન) થી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International