Book of Common Prayer
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
તાવ
169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
પ્રબોધિકાઓ હુલ્દાહ અને યોશીયા
14 યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
15 આ પ્રબોધિકાએ ઇસ્રાએલના યહોવા દેવ તરફથી તેઓને સંદેશો આપ્યો, “તમને મારી પાસે મોકલનાર માણસને કહેજો, 16 ‘યહોવા આમ કહે છે, જુઓ હું આ નગર અને તેના લોકો પર મુશ્કેલીઓ લાવવાનો છું. હા, યહૂદાના રાજાએ પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે. 17 કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકર્મોથી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.’
18 “અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ‘ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે. 19 જ્યારે તમે ખૂબ દિલગીર થયા અને મારા પગે પડ્યા, જ્યારે તમે જાણ્યું કે આ નગર અને તેના લોકો શ્રાપિત થશે અને નિર્જન થઇ જશે, ત્યારે તમે તમારા વસ્રો ફાડી નાખ્યાં અને પશ્ચાતાપથી મારી પાસે રડ્યાં, તેથી હું પણ તમને સાંભળીશ.’ અને એટલે હું આ જગ્યા પર જે આફતો ઉતારનાર છું તે તારે નજરે જોવી નહિ પડે. 20 ‘તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.’”
તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.
લોકોએ નિયમ સાંભળ્યો
23 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. 2 યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.
3 ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.
23 જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી 24 અને તેના માટે સ્તુતિ કરી. પછી તેણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.” 25 તે જ રીતે, જમી લીધા પછી, ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો. ઈસુએ કહ્યું કે, “આ દ્રાક્ષારસ દેવનો તેના લોકો તરફનો નવો કરાર પ્રસ્થાપિત કરે છે. આ નવા કરારનો મારા રક્ત વડે પ્રારંભ થાય છે. જ્યારે તમે તેને પીઓ ત્યારેં મને યાદ કરો.” 26 દરેક વખતે જ્યારે તમે આ રોટલી ખાવ અને આ પ્યાલામાંથી પીઓ ત્યારે પ્રભુનું પુનરાગમન થાય ત્યાં સુધી તેના મૃત્યુનો પ્રચાર કરો.
27 જો કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે રોટલી ખાય કે પ્રભુનો પ્યાલો પીએ તો તે વ્યક્તિ પ્રભુના શરીર અને રક્તની વિરુંદ્ધ પાપ કરે છે. 28 દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ. 29 જો વ્યક્તિ શરીરને ઓળખ્યા વગર રોટલી ખાય છે અથવા પીએ છે, તો તે વ્યક્તિને ખાધાથી તથા પીધાથી દોષિત ઠરાવવામાં આવે છે. 30 તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે. 31 પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ. 32 પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.
33 તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ. 34 જો કોઈ વ્યક્તિ અતિશય ભૂખી થઈ જાય, તો તેણે તેના ઘરે જમી લેવું જોઈએ. દેવનો ન્યાય તમારા એક સાથે મળવા પર ન તોળાય તેથી આ કરો. જ્યારે હું આવું ત્યારે બીજી બાબતો અંગે તમારે શું કરવું તે તમને જણાવીશ.
ઈસુએ માથ્થીની પસંદગી કરી
(માર્ક 2:13-17; લૂ. 5:27-32)
9 ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો.
10 ઈસુએ માથ્થીના ઘરે તેના શિષ્યો સાથે ભોજન લીધું. ત્યારે ત્યાં કર ઉઘરાવનારા અને પાપીઓ પણ જમતા હતાં. 11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?”
12 ઈસુએ આ સાંભળીને કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી. જેઓ બિમાર છે તેમને વૈદની જરૂર છે.” 13 ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”(A)
ઈસુ બીજા યહૂદિધર્મ-નેતાઓથી જુદા છે
(માર્ક 2:18-22; લૂ. 5:33-39)
14 પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવ્યા. તેઓએ ઈસુને પૂછયું કે, “અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ તો તારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?”
15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.
16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે. 17 લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે, ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે. તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે. આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International