Book of Common Prayer
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
હિઝિક્યાની માંદગી
20 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”
2 ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી; 3 “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું” અને તે ચોધાર આંસુએ રડી પડયો.
4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે, 5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ. 6 હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”
7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”
8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”
9 યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”
10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”
11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.
બાબિલનો માણસ અને હિઝિક્યા
12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. 13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.
14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”
હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”
16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે; 17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ. 18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”
19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”
તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”
20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું યહૂદાના રાજાઓનાં ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.
હેરોદ અગ્રિપાએ મંડળીનું કરેલું નુકસાન
12 એ સમય દરમ્યાન રાજા હેરોદે[a] મંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી. 2 હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો. 3 હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.) 4 હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી. 5 તેથી પિતરને જેલમાં રાખવામાં આવ્યો. પરંતુ મંડળીમાં પિતર માટે આગ્રહથી દેવની પ્રાર્થના થતી હતી.
પિતરનો જેલમાંથી છૂટકારો
6 પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી. 7 એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી. 8 તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”
9 તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે. 10 પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.
11 પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”
12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા. 13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી. 14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!” 15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”
16 પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું, તેઓએ પિતરને જોયો. તેઓ નવાઇ પામ્યા. 17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.
ઈસુનું માણસને સજીવન કરવું
11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”
17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International