Book of Common Prayer
33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.
દાઉદનું ગીત.
1 હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
2 જાગો, ઓ વીણા અને સારંગી;
ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
3 “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
5 હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.
7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
“હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
અને તેમને શખેમ
તથા સુકકોથની ખીણ આપીશ.
8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
યહૂદિયા મારો રાજદંડ છે.
9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
કે તમારી કૃપા અમારા પર થાય.
21 “તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:
‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે,
તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે;
યરૂશાલેમની પુત્રીએ તારા તરફ
પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તમે કોની મજાક કરી છે?
કોની ટીકા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે?
તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!
23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે.
તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું,
તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા;
હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો.
24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.”
25 તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું.
પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી
અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે.
મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન,
ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા,
અને વગડાના છોડ જેવા,
કુમળાં ઘાસ જેવા,
ધાબા પર ઊગી નીકળેલાં,
ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું,
તારું બહાર જવું,
તારું અંદર આવવું
તથા મારા પર તારું
કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું.
28 મારા પર ક્રોધ કરવાને લીધે હું
તારા નાકમાં કડી પહેરાવવાનો છું
અને તારા મોંમા લગામ નાખવાનો છું
અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું
તને પાછો વાળી દેવાનો છું.’”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, “આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો. 30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 31 કારણ કે યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે, યહોવાની આસ્થાના પ્રતાપે આ બધું સિદ્ધ થશે.
32 “એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે,
‘તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે,
ઢાલ લઈને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે.
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
34 મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું
આ નગરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઈશ.’”
આશ્શૂરી સેનાનો વિનાશ
35 એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો.
યહૂદિઓ જેવા ન બનો
10 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા. 2 મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા. 3 તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું. 4 તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો. 5 પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.
6 આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા. 7 મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”(A) 8 આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા. 9 તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું. 10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.
11 જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે. 12 તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ. 13 બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો.
ઈસુને અનુસરવાની ઈચ્છા
(લૂ. 9:57-62)
18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”
21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”
ઈસુ તોફાનને શાંત પાડે છે
(માર્ક 4:35-41; લૂ. 8:22-25)
23 ઈસુ એક હોડીમાં જઈને બેઠો, તેના શિષ્યો પણ તેની સાથે ગયા 24 એ હોડીએ કિનારો છોડયો કે તરત જ દરિયામાં મોટું તોફાન શરૂ થયું ને ઉછળતાં મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી. પરંતુ ઈસુ તો ઊઘતો હતો. 25 શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!”
26 ઈસુએ કહ્યું કે, “તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો.
27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International