Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 89

એથાન એઝાહીનું માસ્કીલ.

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
    સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
    અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
    અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
    અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”

પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
    અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
    જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
    જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
    દેવ ભયાવહ અને સન્માનનીય છે.
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
    તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
    તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
    તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
    તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
    તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
    તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
    મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
    તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
    તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
    અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
    અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
    અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
    અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
    મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
    અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
    અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
    અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
    ને હું નિરંતર પ્રેમ રાખીશ;
    મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
    અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
    તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
    અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
    અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
    સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
    તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
    અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
    અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
    અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
    અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
    મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
    હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
    અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
    સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
    તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
    તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
    અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
    અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
    અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
    અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
    અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
    અને તમે તેને શરમાવ્યો છે.

46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
    શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
    શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
    શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
    શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
    જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
    અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 યહોવાની સદાય સ્તુતિ કરો.
    આમીન તથા આમીન!

2 રાજાઓનું 17:24-41

સમરૂનના લોકોની શરૂઆત

24 આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો. 25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા. 26 આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”

27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”

28 તેથી એક યાજક બેથેલમાં આવ્યો અને તેણે બાબિલમાંથી આવેલા લોકોને યહોવાની ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ શીખવી.

29 છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ. 30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને, 31 અને આવ્વીના લોકો નિબ્હાઝ અને તાંર્તાકને પૂજતા હતા, તો સફાવીર્મના લોકો આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખને પોતાનાં બાળકોની અગ્નિમાં આહુતિ આપતાં હતાં.

32 આ લોકો યહોવાની પણ પૂજા કરતા હતા, અને તેમણે પોતાનામાંથી કોઇ એકને યાજક નિયુકત કર્યો જે તેઓના મુખ્યસ્થાનોની મૂર્તિઓની સેવાપૂજા કરતો હતો. 33 તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.

34 આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી. 35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ. 36 જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે. તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે. 37 નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી. 38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ. 39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”

40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું. 41 આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.

1 કરિંથીઓ 7:25-31

લગ્ર કરવા અંગેના પ્રશ્નો

25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે. 26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. 27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો. 28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું.

29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.

માથ્થી 6:25-34

પ્રથમ દેવનું રાજ્ય

(લૂ. 12:22-34)

25 “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે. 26 તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. 27 એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો.

28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી. 29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. 30 જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ.

31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?’ 32 જે લોકો દેવને ઓળખતા નતી તેઓ આ બધી વસ્તુઓની પાછળ પડે છે. તમે આની ચિંતા ના કરો કારણ કે આકાશમાં રહેલાં તમારા પિતાને ખબર છે કે તમારે આ બધાની જરૂર છે. 33 પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. 34 તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International