Book of Common Prayer
કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.
1 તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
2 યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
3 હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
4 જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
5 વળી સિયોન વિષે કહેવાશે કે:
“આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
6 યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
“મારું સર્વસ્વ તારામાં છે.”
ભાગ ચોથો
(ગીત 90–106)
દેવના ભકત મૂસાની પ્રાર્થના.
1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
તે પહેલાંથી તમે જ દેવ છો;
તમારી શરૂઆત નથી કે અંત નથી.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
અને રાતના એક પહોર જેવાં છે!
5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6 તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
7 કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8 તમે અમારાં બધાં પાપો,
અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
અને તે બધાં તમે જોઇ શકો છો.
9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
અને અમને સફળતા આપો;
અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
3 પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
4 દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
5 જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
7 આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
યહૂદાની અથાલ્યાનું શાસન
11 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.
2 પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,
3 તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.
4 સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.
5 “તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે. 6 બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો. 7 જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે. 8 રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”
9 તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. 10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં. 11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા. 12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”
13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ. 14 જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”
15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”
16 તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.
17 યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાને વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.
18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.
યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા. 19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું. 20 અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.
10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.
12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.
15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.
દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો
17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. 20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.
ધન કરતાં દેવનું વધુ મહત્વ
(લૂ. 12:33-34; 11:34-36; 16:13)
19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે. 20 આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો, આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ. 21 જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.
22 “આંખ તો શરીરનો દીવો છે. જો તારી આંખો સારી હશે, તો તારું આખુ શરીર પ્રકાશથી પૂર્ણ રહેશે. 23 પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે. અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે.
24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International