Book of Common Prayer
દાઉદનું ગીત.
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે
તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
હે પ્રાચીન પ્રવેશદ્વારો,
ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે?
એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.
1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
2 તમારા આંગણામાં આવવા માટે
મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
9 હે દેવ, અમારી ઢાલને જુઓ;
તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
જે રાખે છે ભરોસો તમારા ઉપર.
8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો. 9 એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ;
તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
10 એલિયાએ કહ્યું, “હું સર્વસમર્થ દેવ યહોવાને સંપૂર્ણ રીતે સમર્પિત છું, ઇસ્રાએલના લોકોએ તમાંરા કરારનો ભંગ કર્યો છે, તમાંરી વેદીનો નાશ કર્યો છે અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા ઈચ્છે છે.”
11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા. 12 ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.
13 આ સાંભળતાં જ એલિયાએ પોતાના ઝભ્ભાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
14 તેણે ફરીથી જવાબ આપ્યો, “હું સંપૂર્ણરીતે સર્વસમર્થ દેવ યહોવાને અર્પણ થઇ ગયો છુ, ઇસ્રાએલના લોકોએ તમાંરો કરાર ફગાવી દીધો છે, તમાંરી વેદી તોડી પાડી છે, અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા માંગે છે.”
15 યહોવાએ તેને કહ્યું, “તું પાછો ફર, અને દમસ્કના રણ વિસ્તારમાં જા, ત્યાં જઈને અરામના રાજા તરીકે હઝાએલનો અભિષેક કર. 16 નિમ્શીના પુત્ર યેહૂનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર, અને અબેલ-મહોલાહના શાફાટના પુત્ર એલિશાને તારા પછીના પ્રબોધક તરીકે નિયુકત કર, 17 હઝાએલની તરવારથી જે કોઇ પણ છટકી ને ભાગી જશે યેહૂ તેને માંરી નાખશે, અને યેહૂની તરવારથી જે કોઇ પણ છટકીને ભાગી જશે તેને એલિશા માંરી નાખશે. 18 પરંતુ હજી પણ 7,000 એવા ઇસ્રાએલીઓ છે, જેઓ કદી બઆલને નમ્યા નથી કે નથી તેને તેની મૂર્તિને ચુમ્યાં.”
પ્રબોધક બનતો એલિશા
19 એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20 એલિશા, બળદોને છોડીને એલિયાની પાછળ દોડયો અને કહેવા લાગ્યો, “માંરે માંરા પિતા અને માંતાને વિદાય વચન કહેવું છે, પછી હું તારી સાથે આવીશ.”
એલિયાએ કહ્યું, “જા, અને પાછો આવ. હું તને રોકીશ નહિ.”
21 એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું. 35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. 36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. 37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. 38 અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે. 39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!”
ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા. 40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા. 41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા. 42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.
ઈસુને મારી નાખવાની યહૂદિ આગેવાનોની યોજના
(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂ. 22:1-2)
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું. 47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International