Book of Common Prayer
નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.
1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3 દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4 મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5 મારું શરીર ભયથી ધ્રુજે છે,
હું ભયથી ઘેરાઇ ગયો છું.
6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7 હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8 વિનાશકારી પવનનાં તોફાનથી
હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવો,
તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
16 હું તો દેવને પોકાર કરીશ,
તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
અને તે તમને નિભાવી રાખશે,
તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
9 જો હું પરોઢિયાની પાંખો પર
સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
વરસાદનું પુનરાગમન
41 એલિયાએ આહાબને કહ્યું, “હવે પાછો જા, અન્નજળ લે, કારણ, મને મૂશળધાર વરસાદનો અવાજ સંભળાય છે.” 42 આહાબે જઈને અન્નજળ લીધાં અને એલિયા, કામેર્લ પર્વતની ટોચે સુધી ગયો, ત્યાં તે જમીન પર પડ્યો અને ઘૂંટણ વચ્ચે પોતાનું માંથું ઘાલી દીધું. 43 તેણે પોતાના નોકરને કહ્યું, “ઉપર જઈને દરિયા તરફ નજર કર.”
તેણે ઉપર જઈને નજર કરી, તે બોલ્યો, “ત્યાં કાંઈ નથી.” એલિયાએ તેને સાત વાર પાછો મોકલ્યો, અને તે સાત વાર પાછો ગયો. 44 સાતમી વખતે તે બોલ્યો, “માંણસના હાથના માંપનું નાનું વાદળું દરિયામાંથી પર ચઢે છે.”
ત્યારે એલિયાએ કહ્યું, “હવે જઈને આહાબને કહે, રથ જોડીને ચાલ્યો જા, નહિ તો વરસાદ તેને રોકી રાખશે.”
45 દરમ્યાન આકાશ વાદળથી કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધોધમાંર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસી ગયો અને યિઝએલ જવા માંટે નીકળી પડ્યો. 46 એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો.
સિનાઇ પર્વત પર એલિયા
19 એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું, 2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ. જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”
3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો. 4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”
5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,” 6 તેણે જોયું, તો તેના માંથા આગળ હૂંફાળો રોટલો અને પાણીનો કૂજો હાજર હતો, તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
7 યહોવાના દૂતે ફરી આવીને તેને બીજી વાર સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ, ને ખાઈ લે, તારે લાંબો પંથ કાપવાનો છે.” 8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો.
17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. 18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું. 19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે. 20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.
કેટલીક કરવાની વસ્તુઓ
4 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. 3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા[a] તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે.
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા
(માર્ક 1:9-11; લૂ. 3:21-22)
13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા[a] લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”
15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International