Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.
12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.
16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
સર્વ સંકટોમાંથી છોડાવો.
નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.
1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.
4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.
7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીર્તિ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે, 33 તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે.
34 “જો તારા લોકોને તું જે કોઇ માર્ગે મોકલે તે માર્ગે તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે; 35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.
36 “જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય, 37 અને એ વિદેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરી તને વિનવે કે, અમે પાપ કર્યુ છે, અને દુષ્ટ વર્તન કર્યુ છે ‘એમ કહીને પાછા ફરે,’ 38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે. 39 તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે. 40 હવે, હે મારા દેવ, આ મંદિરમાં થતી પ્રાર્થના માટે તારી આંખ ઉઘાડી રાખજે, અને જાગૃત રહીને ધ્યાન આપજે.
41 “હે દેવ યહોવા, ઊઠો, તું અને તારું સાર્મથ્ય દર્શાવતો કરારકોશ
તારા વિશ્રામસ્થાને ઊઠી આવ.
હે દેવ યહોવા, તારા યાજકો વિજયી વસ્ત્રથી શુશોભિત થાય,
અને ભલે તારા ભકતો સમૃદ્ધિ પામે અને આનંદોત્સવ મનાવે.
42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ.
તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.”
મંદિરમાં પ્રતિષ્ઠાપન
7 સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું. 2 જેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી શક્યાં નહિ. વળી યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. 3 તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું,
“તે ભલાઇનો ભંડાર છે,
તેની કરૂણા શાશ્વત છે.”
4 ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં. 5 રાજા સુલેમાને 22,000 બળદ અને 1,20,000 ઘેટાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ મંદિરનું સમર્પણ કર્યુ. 6 યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા.
7 ત્યારબાદ સુલેમાને યહોવાના મંદિરની આગળ આવેલા ચોકનો વચલો ભાગ પણ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનાર્પણો, ખાદ્યાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો ધરાવ્યાં. કારણ સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તેમાં આ બધી બલિઓ સમાઇ શકે એમ ન હતી.
બધા લોકોને પ્રેમ કરો
2 મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. 2 ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. 3 તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” 4 આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.
5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. 6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. 7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.
8 જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. 9 પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.
10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે. 11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(B) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(C) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.
12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.
યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ
(માથ. 26:57-68; લૂ. 22:54-55, 63-71; યોહ. 18:13-14, 19-24)
53 તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા. 54 પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.
55 મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએ ઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શક્યા નહિ. 56 ઘણા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાક્ષી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકબીજા સાથે સંમત ન હતા.
57 પછી કેટલાએક લોકો ઊભા થયા અને ઈસુની વિરૂદ્ધ કંઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કહ્યું, 58 “અમે આ માણસને (ઈસુ) એમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધીશ જે માણસોએ બનાવેલું નહિ હોય.’” 59 પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.
60 પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઊભો થયો અને ઈસુને કહ્યું, “આ લોકો તારી વિરૂદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?” 61 પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.
તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”
62 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.”
63 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી. 64 તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે.
તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ. 65 ત્યાં કેટલાએક લોકો ઈસુ પર થૂંક્યા. તેઓએ ઈસુની આંખો ઢાંકી દીધી અને તેના પર તેમની મુંઠીઓનો પ્રહાર કર્યો તેઓએ કહ્યું, “અમને કહી બતાવ કે તું એક પ્રબોધક છે!” પછીથી ચોકીદારો ઈસુને દૂર દોરી ગયા અને તેને માર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International