Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 16-17

દાઉદનું મિખ્તામ.

હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
મે યહોવાને કહ્યુ છે,
    “તમે મારા માલિક છો.
    મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
    “એવાં સ્રી પુરુષના સંગમાંજ
    મને આનંદ મળે છે.”

જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
    હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
    હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
    હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
    વારસાનો ભાગ મને મળ્યો છે.
મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
    રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.

મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
    તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
    ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
    અને મારો આત્મા પણ ખુશ છે;
    તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
    શેઓલને સોંપશો નહિ.
    તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
    તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
    તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
    મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
    જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
    તમે સત્યને જોઇ શકો છો.
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
    તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
    હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
    ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
    અને મારો પગ કદી લપસ્યો નથી.
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
    અને તેનો જવાબ આપો.
ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
    શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
    તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
    અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
    તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
    તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
    અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
    તેઓને પાડી નાખી પરાજીત કરી દો
    અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
    આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
    હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
    પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
    હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

ગીતશાસ્ત્ર 22

નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
    મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
    શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
    પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

દેવ, તમે પવિત્ર છો.
    તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
    અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
    તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
    સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
    અને મને તુચ્છ ગણે છે.
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
    અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
    “તે જરૂર તને ઉગારશે કારણ
    તે તને ખૂબ પસંદ કરે છે.”

હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
    તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
    ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
    મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
    અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
    બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
    તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.

14 જેમ પાણી વહી જાય તેમ,
    મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
    તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
    મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
    અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
    અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
    અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
    આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
    તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
    અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.

19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
    હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
    મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
    તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]

22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
    હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
    તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
    હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
    ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
    તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.

25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
    સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
    તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
    અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
    ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
    અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
    અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
    પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
    અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
    અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

1 રાજાઓનું 5:1-6

મંદિર નિર્માંણ માંટે તૈયારી

તૂરનો રાજા હીરામ રાજા દાઉદ સાથે સંલગ્ન થઇ ગયો, તેણે પોતાના નોકરોને સુલેમાંન રાજા પાસે મોકલ્યા; કારણ કે તેણે જાણ્યું હતું કે દાઉદનો પુત્ર સુલેમાંન ઇસ્રાએલના નવા રાજા તરીકે અભિષિકત થયો છે. હીરામને પ્રત્ત્યુત્તર આપતાં સુલેમાંને કહેવડાવ્યું કે, તું જાણે છે કે,

“માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા. પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ.

“તેથી હવે હું માંરા યહોવા માંટે મંદિર બનાવી શકું અને હું તેમ કરવા માંટે યોજના કરું છું, એ કામ માંરે કરવાનું છે એવી સૂચના યહોવાએ માંરા પિતાને આપી હતી. યહોવાએ તેમને કહ્યું હતું, તારા પછી તારા પુત્રને હું તારા રાજયાસન પર બેસાડીશ. તે માંરા નામ માંટે થઇને મંદિર બંધાવશે. તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”

જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.” હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે,

“તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ. માંરા માંણસો લબાનોનથી સમુદ્ર સુધી લાકડાં લઇ આવશે અને ત્યાંથી તમે કહેશો ત્યાં હું તે લાકડાં બાંધીને તરાપા બનાવીને, સમુદ્રમાંગેર્ વહાવી દઇશ, પછી લાકડાં છૂટાં કરી તમને સોંપી દેવાશે. તમાંરે તો માંરા માંણસોને ફકત વેતન, ખોરાક અને રહેવા માંટેની જગ્યા આપવી પડશે.”

10 એમ આ રીતે હીરામે સુલેમાંને જેમ ઇચ્છયું હતું તેમ કર્યુ અને જરૂરિયાત મુજબનું ફર અને દેવદાર વૃક્ષોનું લાકડું મોકલી આપ્યું.

11 તેના બદલામાં સુલેમાંને પ્રતિવર્ષ હીરામને 20,000 માપ ઘઉં અને 20 માપ શુદ્વ જૈતતેલ મોકલી આપ્યાં,

12 અને યહોવાએ સુલેમાંનને વચન આપ્યું હતું, તે મુજબ તેણે તેને જ્ઞાન આપી; અને હીરામ તથા સુલેમાંનની વચ્ચે સુલેહ-શાંતિના કરાર કર્યા.

13 રાજા સુલેમાંને પોતાને માંટે કામ કરવા ઇસ્રાએલના 30,000 માંણસોને મજબૂર કર્યા. 14 તે તેઓમાંથી તે વારા પ્રમાંણે પ્રતિમાંસ 10,000 માંણસોને લબાનોન મોકલતો હતો; તેઓ એક માંસ લબાનોનમાં અને બે માંસ પોતાના ઘેર રહેતા; અદોનીરામ બધાં મજૂરોનો ઊપરી હતો. 15 સુલેમાંન પાસે તેના માંટે બાંધકામની સામગ્રી ઊપાડનારા વધારાના 70,000 માંણસો હતા. વળી પહાડી પ્રદેશમાં પથ્થર તોડનારા 80,000 માંણસો હતા. 16 બાર પ્રશાસકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા. 17 રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી મંદિરનો પાયો નાખવા માંટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. 18 અને ગબાલ પ્રદેશના માંણસો પણ સુલેમાંનના અને હીરામના કામદારોને મંદિર બાંધવા માંટે પથ્થર કાપવાના અને મંદિર માંટે લાકડા કાપવાના કામમાં મદદ કરતા હતા.

મંદિરનું બાંધકામ

ઇસ્રાએલીઓ મિસરમાંથી 480 વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.

1 રાજાઓનું 6:7

મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો.

પ્રેરિતોનાં કૃત્યો 28:1-16

પાઉલ માલ્ટાના ટાપુ પર

28 જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો. તે વખતે વરસાદ વરસતો હતો અને ખૂબ ઠંડી હતી. પણ જે લોકો ત્યાં રહેતા હતા તે અમારા પ્રત્યે ઘણા સારા હતા. તેઓએ અમારા માટે અગ્નિ સળગાવ્યો અને અમારા બધાનું સ્વાગત કર્યુ. પાઉલે આગ માટે થોડીક સૂકી લાકડીઓ ભેગી કરી. પાઉલ તે અગ્નિમાં લાકડા નાખતો હતો ત્યારે ગરમીને કારણે એક ઝેરી સાપ બહાર આવ્યો અને પાઉલના હાથે કરડ્યો. ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”

પણ પાઉલે તે સાપને અજ્ઞિમાં ઝટકી નાખ્યો. પાઉલને કોઇ ઇજા થઈ નહિં. લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!”

ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા. પબ્લિયુસનો પિતા ઘણો બિમાર હતા. તે તાવને લીધે પથારીવશ હતો. તેને મરડો થયો હતો. પરંતુ પાઉલ તેની પાસે ગયો અને તેના માટે પ્રાર્થના કરી. પાઉલે તેના હાથો તે માણસના માથા પર મૂક્યા અને તેને સાજો કર્યો. આ બનાવ પછી ટાપુ પરના લોકો જેઓ બિમાર હતા તેઓ પાઉલ પાસે આવ્યા. પાઉલે તેઓને પણ સાજા કર્યા.

10-11 ટાપુ ઉપરના લોકોએ અમને ઘણા માન સાથે ઘણી ભેટો આપી. ત્યાં અમે ત્રણ માસ રહ્યા. જ્યારે અમે વિદાય થવા તૈયાર થયા, લોકોએ અમને અમારી જરુંરી વસ્તુઓ આપી.

પાઉલનું રોમમાં ગમન

અમે આલેકસાંદ્રિયા શહેરમાંથી એક વહાણમાં બેઠા. તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી. 12 અમે સુરાકુસમાં આવ્યા ત્યાં સુરાકુસમાં ત્રણ દિવસ રહ્યા અને પછી વિદાય થયા. 13 અમે રેગિયુમ શહેરમાં આવી પહોંચ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફૂંકાવાની શરુંઆત થઈ. તેથી અમે વિદાય થવા સાર્મથ્યવાન થયા. એક દિવસ પછી અમે પુત્યોલી શહેરમાં આવ્યા. 14 અમને ત્યાં કેટલાએક વિશ્વાસીઓ મળ્યા. તેઓએ પોતાની સાથે એક અઠવાડિયું રહેવા માટે કહ્યું. આખરે અમે રોમ આવ્યા. 15 રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.

રોમમાં પાઉલ

16 પછી અમે રોમ ગયા. રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી. પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો.

માર્ક 14:27-42

ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું

(માથ. 26:31-35; લૂ. 22:31-34; યોહ. 13:36-38)

27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:

‘હું પાળકને મારી નાખીશ,
    અને ઘેટાંઓ નાસી જશે.’(A)

28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”

29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”

30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”

31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, “હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.

ઈસુ એકલો પ્રાર્થના કરે છે

(માથ. 26:36-46; લૂ. 22:39-46)

32 ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો.” 33 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો. 34 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”

35 ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ. 36 ઈસુએ પ્રાર્થના કરી, “અબ્બા પિતા! તારાથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છું તે નહિ.”

37 પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો. તેણે તેઓને ઊંઘતા જોયા. તેણે પિતરને કહ્યું, “સિમોન, તું શા માટે ઊંઘે છે? તું મારી સાથે એક કલાક જાગતો ના રહી શકે? 38 જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”

39 ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. 40 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોતી કે તેઓએ ઈસુને શું કહેવું જોઈએ.

41 ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, “તમે હજુ પણ ઊંઘો છો અને આરામ કરો છો? તે પૂરતું છે! માણસના પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે. 42 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International