Book of Common Prayer
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદનું સ્તુતિગાન.
1 યહોવા મારો ખડક છે,
તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
તે મારા લોકોને
મારે તાબે કરે છે.
યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
મને બહાર ખેચી કાઢો,
અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે,
તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
તે આપણને ખેડવા છોડ આપે છે,
અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
આપણી ત્વચાને નરમ કરવા તેલ
અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
દાઉદના અંતિમ વચનો
23 દાઉદનાં અંતિમ વચનો આ છે:
“આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે.
આ વચનો એ માંણસ તરફથી છે
કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો,
જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.
2 યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે,
અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.
3 ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે.
ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે,
‘જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે.
જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે.
4 તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ
જેવો વાદળ વિનાની સવાર જેવો થશે;
વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી
નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.’
5 “દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું,
દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે,
તે દરેક રીતે સુરક્ષિત છે.
દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે.
તે માંરી બધી ઇચ્છાઓ
અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.
6 “પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે;
કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી.
તેઓ તેમને ફેંકી દે છે.
7 જો કોઇ વ્યકિત તેમને અડવા જાય
તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે.
એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે.
અને સદંતર નાશ કરી દેવામાં આવશે.”
13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.
14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી. 15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!” 16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું. 17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”
હેરોદ અગ્રીપ આગળ પાઉલ
13 થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા. 14 તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યા. ફેસ્તુસે રાજાને પાઉલ સંબંધી કહ્યું, “ત્યાં એક માણસ છે જેને ફેલિકસે કારાવાસમાં પૂર્યો છે. 15 જ્યારે હું યરૂશાલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદિઓના વડીલોએ ત્યાં તેની વિરૂદ્ધ તહોમતો મૂક્યા. આ યહૂદિઓ મને તેના મૃત્યુનો હૂકમ કરવા ઇચ્છતા હતા. 16 પરંતુ મેં જવાબ આપ્યો. ‘જ્યારે કોઈ માણસ પર કંઈક ખોટું કરવાના તહોમતો મૂકવામાં આવે તો રોમનો બીજા લોકોને તે માણસનો ન્યાય કરવા માટે આપતા ન હતા. પ્રથમ તે માણસને જે માણસોએ તેની સામે ફરિયાદ કરી હોય તેનો સામનો કરવાની તક આપવી જોઈએ. અને તેને તેઓએ તેની વિરૂદ્ધ કરેલી ફરિયાદોનો બચાવ તેની જાતે કરવાની પરવાનગી પણ આપવી જોઈએ.’
17 “તેથી આ યહૂદિઓ અહીં કૈસરિયા ન્યાય માટે આવ્યા. અને મેં સમય ગુમાવ્યો નહિ. બીજે દિવસે હું ન્યાયાસનની બેઠક પર બેઠો અને હુકમ કર્યો કે તે માણસને અંદર લાવવામાં આવે. 18 યહૂદિઓ ઊભા થયા અને તેની સામે તહોમત મૂક્યું. પણ યહૂદિઓએ કોઇ ખરાબ ગુનાઓ વિષે ફરિયાદ કરી નહિ. હું ધારતો હતો કે તેઓ કરશે. 19 તેઓએ જે વાતો કહી, તે તેઓના પોતાના ધર્મ અને ઈસુ નામના માણસ વિષે હતી. ઈસુ મૃત્યુ પામ્યો છે છતાં પાઉલે દાવો કર્યો કે તે હજુય જીવે છે. 20 હું આ બાબત વિષે વધું જાણતો ન હતો. તેથી મેં પ્રશ્રો પૂછયા નહિ. પણ મેં પાઉલને પૂછયું, ‘તારી ઈચ્છા યરૂશાલેમમાં જઈને આ બાબતમાં ન્યાય કરવાની છે?’ 21 પણ પાઉલે કૈસરિયામાં જ રાખવા માટે કહ્યું. તે પાદશાહ પાસેથી નિર્ણય ઇચ્છે છે. તેથી મેં હુકમ કર્યો કે જ્યાં સુધી હું તેને રોમમાં કૈસર પાસે ન મોકલી શકું ત્યાં સુધી તેને કેદમાં રાખવો.”
22 અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “આ માણસને સાંભળવો મને પણ ગમશે.”
ફેસ્તુસે કહ્યું, “આવતીકાલે તું એને સાંભળી શકીશ!”
23 બીજે દિવસે અગ્રીપા અને બરનિકા દેખાયા. તેઓ ઘણા મહત્વના લોકો હોય તે રીતે વસ્ત્રો પરિધાન કરીને દબદબાથી ર્વત્યા. અગ્રીપા અને બરનિકા લશ્કરના અધિકારીઓ અને કૈસરિયાના મહત્વના લોકો ન્યાયાલય ખંડમાં ગયા. ફેસ્તુસે પાઉલને અંદર લાવવા સૈનિકોને હુકમ કર્યો.
24 ફેસ્તુસે કહ્યું, “રાજા અગ્રીપા અને તમે બધા લોકો અહી અમારી સાથે ભેગા થયા છો, તમે આ માણસને જુઓ છો. યરૂશાલેમના તથા અહીંના આ બધા યહૂદિ લોકોએ મને તેના વિષે ફરિયાદ કરી છે. જ્યારે તેઓએ તેના વિષે ફરિયાદ કરી ત્યારે તેઓએ પોકાર કર્યો કે, તેને મારી નાખવો જોઈએ. 25 મેં જ્યારે તેનો ન્યાય કર્યો. મને કંઈ ખોટું જણાયું નહી, મને તેને મોતનો હુકમ કરવા કોઈ કારણ જણાયું નહિ. પણ તેણે તેની જાણ તેની જાતે કરવા કહ્યું કે તેનો ન્યાય કૈસર વડે થવો જોઈએ. તેથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કર્યો. 26 પણ મારી પાસે તેની વિરૂદ્ધ કૈસરને લખવા માટે કોઇ ચોક્કસ બાબત ન હતી તેથી હું તમારા બધાની આગળ ખાસ કરીને રાજા અગ્રીપા પાસે લાવ્યો છું. કારણ કે તેણે કંઈ ખોટું કર્યુ નથી. હું આશા રાખું છું કે તું તેને પ્રશ્ર કર અને મને કૈસરને કંઈક લખવા દે. 27 હું વિચારું છું કે બંદીવાનને કૈસર પાસે તેની વિરૂદ્ધ કોઇ જાતના આરોપો દર્શાવ્યા વિના મોકલવો તે મૂર્ખતા છે. મને એ અયોગ્ય લાગે છે.”
મંદિરનું વિનાશાત્મક ભાવિ
(માથ. 24:1-25; લૂ. 21:5-24)
13 ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, “જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.”
2 ઈસુએ કહ્યું, “તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.”
3 પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું. 4 “અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?”
5 ઈસુએ શિષ્યોને કહ્યું, “સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે. 6 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. 7 તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે. 8 રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.
9 “પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો. 10 આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ. 11 તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.
12 “ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે. 13 બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International