Book of Common Prayer
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, તમે છાના ન રહો;
હે દેવ, તમે ચૂપ ન રહો;
અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
“યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
2 મારા જીવનની રક્ષા કરો,
કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
3 હે યહોવા, મારા પર દયા કરો,
કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
4 હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
5 હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
7 મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
8 હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
9 હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
બૅંથ-શેબા સૅંથે દાઉદનું પાપ
11 વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો.
પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો. 2 એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી. 3 તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”
4 પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી. 5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”
દાઉદે પોતાના પાપ ને છુપાવવા ચાહ્યું
6 દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”
આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો. 7 જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું. 8 અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.”
ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી. 9 પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી. 10 ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું,
તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”
11 ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”
12 ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”
તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો. 13 બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.
દાઉદે ઊરિયાના મૃત્યુની યોજના બનાવી
14 આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો. 15 પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”
16 તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં. 17 શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો.
18 યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ યોઆબે દાઉદને મોકલ્યો. 19 અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી 20 કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી? 21 શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’”
22 એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું. 23 તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં. 24 ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”
25 દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!’”
દાઉદે બાથ-શેબા સાથે લગ્ન કર્યા
26 જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો. 27 અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.
સ્કેવાના પુત્રો
11 દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા. 12 કેટલાએક લોકો પાઉલે વાપરેલા હાથરૂમાલો તથા લૂગડા લઈ જતા. લોકો માંદા લોકો પર આ વસ્તુઓ મૂકતા. જ્યારે તેઓએ આ કર્યું, ત્યારે માંદા લોકો સાજા થઈ ગયા અને શેતાનનો અશુદ્ધ આત્મા તેઓને છોડી દેતો.
13-14 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”
15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”
16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.
17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું. 18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી. 19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી. 20 આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.
ઈસુ મૂસા અને એલિયા સાથે
(માથ. 17:1-13; લૂ. 9:28-36)
2 છ દિવસો પછી ઈસુ પિતર, યાકૂબ તથા યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયો. તેઓ બધા ત્યાં એકલા હતા. જ્યારે શિષ્યોની નજર સમક્ષ તેનું રૂપાંતર થયું, ત્યારે 3 ઈસુનાં કપડાં સફેદ ચમકતાં થયાં. કપડા બીજી વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઉજળાં હતા. 4 પછી ત્યાં બે માણસો આવ્યા અને ઈસુ સાથે વાતો કરવા લાગ્યા. તે માણસો મૂસા અને એલિયા હતા.
5 પિતરે ઈસુને કહ્યું, “ઉપદેશક, તે સારું છે કે આપણે અહીં છીએ. અહીં આપણે ત્રણ માંડવા બાંધીએ. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” 6 પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.
7 પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કરી. વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!”
8 પછી પિતર, યાકૂબ, અને યોહાને જોયું, પણ તેઆએે ફક્ત ત્યાં ઈસુને તેઓની સાથે એકલો જોયો.
9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, “તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.” 10 તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી. 11 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?”
12 ઈસુએ ઉત્તર આપ્યો, “એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીતે હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત્ર એવું શા માટે કહે છે કે માણસનો પુત્ર ઘણું સહન કરશે અને લોકો તેનો અસ્વીકાર કરશે? 13 હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે; અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International