Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 70-71

નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.

હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
    મને સહાય કરવાં દોડી આવો.
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
    તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
    જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
    અને શરમ અનુભવો.
જેઓ મારી મશ્કરી કરે છે,
    તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
જેઓ તમારું મુખ શોધે છે,
    તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
    તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.

પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
    હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
    હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
    પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
    આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
    ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
    મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
    તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
    આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
    તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
    અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
    ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
    તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
    અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
    તેઓની સંખ્યા કેટલી મોટી છે
    તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
    તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
    ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
    તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
    હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
    તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
    તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
    તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
    અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
    હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
    હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
    અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
    જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
    તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.

ગીતશાસ્ત્ર 74

આસાફનું માસ્કીલ.

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
    તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
    તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
    તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!

તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
    તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
તેઓ જંગલનાં વૃક્ષો પર
    કુહાડા ઉગામનારાઓના જેવા છે.
તેઓ તેનું તમામ નકશીદાર કામ
    કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
    તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
    તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
    નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
    કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
    શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
    શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
    હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
    તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
    વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
    અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
    નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
    અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
    ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
    મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
    આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
    તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
    આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
    દરિદ્રીઓ અને લાચારોને
    તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
    મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
    અને બરાડાઓને તમે ના વિસરશો.

2 શમુએલનું 4

શાઉલના પરિવાર ઉપર મુશ્કેલીઓ

જયારે શાઉલના પુત્ર ઇશબોશેથે સાંભળ્યું કે આબ્નેરને હેબ્રોનમાં માંરી નાખવામાં આવ્યો છે, ત્યારે તે ઘણો ગભરાઇ ગયો અને આખું ઇસ્રાએલ ભયથી ધ્રૂજી ઊઠયું. બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે. બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.

શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.

બએરોથી રેખાબના પુત્રો રિમોન અને બાઅનાહ શાઉલના પુત્ર ઇશબોશેથને ધરે બપોરના ગયા. ઇશબોશેથ બહુ ગરમી ને કારણે આરામ કરતો હતો. રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો. તેઓએ તેને છરો ભોંકી માંરી નાંખ્યો પછી તેનઁુ માંથુ કાપી નાખ્યું અને ઘરથી નાસી જતી વખતે તેને સાથે લઇને ગયા. તેઓએ આખી રાત અરાબાહ સપાટ ભૂમિ પર પ્રવાસ કર્યો અને હેબ્રોન પહોચ્યા.

પછી રાજા દાઉદને મળવા ગયા અને તેની સમક્ષ ઇશબોશેથનું મસ્તક રજૂ કરીને કહ્યું, “જુઓ! તમને માંરી નાખવાનો પ્રયત્ન કરનાર તમાંરા દુશ્મન શાઉલના પુત્ર ઇશબોશેથનું આ મસ્તક તમાંરે માંટે લાવ્યાં છીએ. આજે યહોવાએ માંરા પ્રભુ રાજાનું વેર શાઉલ અને તેના કુળ ઉપર વાળ્યું છે.”

દાઉદે રિમ્મોનના પુત્રોને રેખાબ અને તેના ભાઈ બાઅનાહને ઉત્તર આપ્યો, “મને તમાંમ સંકટોમાંથી ઉગારનાર યહોવાના સમ ખાઈને હું કહું છું. 10 જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો. 11 તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિર્દોષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!”

12 દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અને બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.

પ્રેરિતોનાં કૃત્યો 16:25-40

25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા. 27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો. 28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”

29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો. 30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”

31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.” 32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું. 33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. 34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.

35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”

36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”

37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!”

38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા. 39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું. 40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.

માર્ક 7:1-23

દેવના નિયમો અને લોકોએ બનાવેલા કાયદાઓ

(માથ. 15:1-20)

કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા. ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (“ચોખ્ખા નહિ” નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.) ફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશિષ્ટ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા. અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.

ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, “તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?”

ઈસુએ જવાબ આપ્યો, “તમે બધા દંભી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાએ લખ્યું છે,

‘આ લોકો કહે છે તેઓ મને માન આપે છે,
    પણ તેઓ ખરેખર મને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.
તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે.
    જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’(A)

તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.”

પછી ઈસુએ તેઓને કહ્યું, “તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો. 10 મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’ 11 પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’ 12 તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી. 13 તેથી તમે ઉપદેશ આપો છો કે દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે લોકોને જે ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે વધારે મહત્વનું છે અને તમે તેના જેવું ઘણું કરો છો.”

14 ઈસુએ ફરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા. તેણે કહ્યું, “પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનથી સાંભળવો જોઈએ અને હું જે કહું છું તે સમજવું જોઈએ. 15 એવી કોઈ વસ્તુ નથી જે વ્યક્તિ તેના શરીરમાં મૂકે છે જે તેને અપવિત્ર બનાવે છે. તેનામાંથી જે વસ્તુઓ બહાર આવે છે તેના વડે જ વ્યક્તિ અપવિત્ર બને છે.” 16 તમે લોકો મારા શબ્દો ધ્યાનથી સાંભળો. તમને લોકોને જો કાન હોય તો, સાંભળો.

17 પછી ઈસુ તે લોકોને છોડીને ઘરમાં ગયો. શિષ્યોએ ઈસુને આ વાર્તા વિષે પૂછયું. 18 ઈસુએ કહ્યું, “તમને સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે તેને વટાળી શકે. 19 ખોરાક વ્યક્તિના મગજમાં જતો નથી. ખોરાક તો પેટમાં જાય છે. પછી તે ખોરાક શરીરની બહાર નીકળી જાય છે.” (જ્યારે ઈસુએ આ કહ્યું, તેનો અર્થ એ છે કે એવો કોઈ ખોરાક નથી જે લોકોને ખાવા માટે ખોટો છે.)

20 અને ઈસુએ કહ્યું, “જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે. 21 આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન, 22 વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંભ કરવો અને મૂર્ખાઈભર્યું જીવન. 23 આ બધી દુષ્ટ વસ્તુઓ વ્યક્તિની અંદરથી આવે છે. આ વસ્તુઓ વ્યક્તિને વટાળે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International