Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 50

આસાફનું ગીત.

યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
    તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
    ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
    તેમની આસપાસ મહાતોફાન જાગશે.
તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
    જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
    એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
દેવ પોતે જ ન્યાયાધીશ છે.
    તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

“હે મારા લોકો, હું કહું તે સાંભળો,
    હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
    કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
    તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે
    તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ
    અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું,
    અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ,
    કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો
    અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો,
    હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
    “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
    શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
    અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
    અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
    અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
    તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
    તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
    મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
    તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
    તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
    જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”

ગીતશાસ્ત્ર 59-60

નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
    અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
    અને ખૂની માણસોથી તમે મને બચાવો.
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
    હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
    કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
    હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
    આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
    તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
    અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
    નગરની આસપાસ ફેરા ખાય છે.
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
    તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
    તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
    અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
    તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
    તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
    કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
    તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
    પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
    જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
    અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.

14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
    અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
    તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
    સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
    અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
    કારણ તમે મારા મજબૂત ગઢ છો,
    દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

ગીતશાસ્ત્ર 66-67

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

1 શમુએલનું 28:3-20

એન-દોરમાં શાઉલ અને સ્ત્રી

શમુએલ મૃત્યુ પામ્યો હતો. પછી ઇસ્રાએલીઓએ તેનો શોક પાળ્યો હતો અને તેને તેના ગામ “રામાં”માં દફનાવ્યો હતો.

શાઉલે આખા દેશમાંથી બધા મેલી વિંધા વાપરનારાઓને અને ભૂવાઓને હાંકી કાઢયા હતા.

શુનેમમાં પલિસ્તી સેના ભેગી થઇ અને છાવણી નાખી. શાઉલે તેની સેના એકઠી કરી અને ગિલ્બોઆમાં ડુંગર ઉપર છાવણી નાખી. શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ. તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા. પછી શાઉલે તેના અમલદારોને કહ્યું, “જાવ અને કોઇ સ્ત્રી જે તાંત્રિક છે તેણીને બોલાવો. પછી હું તેને મળીશ અને આ યુદ્ધનું પરિણામ શું હશે તેની આગાહી કરવા કહીશ.”

પછી તેઓએ કહ્યું “એન-દોરમાં તેવી એક સ્રી છે.”

આથી શાઉલે રાજવી-ઝભ્ભો ઉતારી મૂકયો, અને સામાંન્ય પોશાક પહેરીને વેશપલટો કર્યો અને રાત્રે પોતાના બે માંણસો સાથે તે સ્ત્રીને ઘેર મળવા ગયો. તેણે વિનંતી કરી, “પ્રેતને પૂછીને મને માંરું ભવિષ્ય કહે, હું કહું તેના પ્રેતને તું બોલાવ.”

તે સ્ત્રીએ કહ્યું, “શાઉલે શું કર્યું છે તે તમે જાણો છો, તેણે બધા મેલી વિદ્યા વાપરનારઓને અને ભૂવાઓને દેશમાંથી હાંકી કાઢયા છે. તો તમે શું કરવા મને ફસાવવા અને માંરી નાખવા માંગો છો?”

10 ત્યારે શાઉલે તેની આગળ એવા સમ ખાધા કે, “હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે, એ માંટે તને કોઈ સજા કે નુકસાન થશે નહિ.”

11 ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું, “હું કોને બોલાવું?”

શાઉલે કહ્યું, “શમુએલને.”

12 જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે શાઉલને કહ્યું, “તું શાઉલ છે, તેઁ મને છેતરી છે.”

13 રાજાએ તેને કહ્યું, “તું ગભરાઈશ નહિ, તને શું દેખાય છે?”

સ્ત્રીએ કહ્યું, “હું એક આત્માંને ભૂમિમાંથી બહાર આવતો જોઉં છું.”

14 એટલે શાઉલે પૂછયું, “એનો દેખાવ કેવો છે?”

તેથી તે સ્ત્રીએ કહ્યું, “એક વૃદ્વ પુરુષ ઉપર આવે છે અને તેણે ખાસ ઝભ્ભો પહેરેલો છે.”

એટલે શાઉલને ખબર પડી કે, એ શમુએલ હતો. તેથી તે નીચે નમ્યો. 15 શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?”

શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.”

16 શમુએલે કહ્યું કે, “યહોવા તારી પાસેથી જતા રહ્યાં છે ને તારા દુશ્મન થયાં છે, તો તું મને કેમ પૂછે છે? 17 એ જે કરવાના છે તે કહેવા દેવે માંરો ઉપયોગ કર્યો છે. અને હમણા તેઓ આ કરી રહ્યાં છે. હમણા તેઓ રાજ્યને તારા હાથેથી અલગ કરીને તારા મિત્ર દાઉદને આપી રહ્યાં છે. 18 તેં યહોવાની આજ્ઞા માંની નહોતી, તેઁ અમાંલેકીઓનો વિનાશ કર્યો નહિ અને બતાવ્યું નહિ કે દેવ તેમના ઉપર કેટલા કોપાયમાંન હતા. તેથી યહોવા તમને આજે આ કરી રહ્યાં છે. 19 અને એ જ કારણે તે તને અને ઇસ્રાએલીઓને સુદ્ધાં પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે, એટલું જ નહિ, પણ આવતી કાલે તું અને તારા પુત્રો અહીં માંરી સાથે હશો.”

20 શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.

પ્રેરિતોનાં કૃત્યો 15:1-11

યરૂશાલેમમાં સભા

15 પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.” પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.

તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું, યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”

પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા. ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે. દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી. દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં. 10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા! 11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”

માર્ક 5:1-20

ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે

(માથ. 8:28-34; લૂ. 8:26-39)

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”

પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”

તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.

11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.

14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.

18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”

20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International