Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
1 જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
યર્દન નદી, શું થયું તારા પાણીનું?
શા માટે તમે પાછા હઠી ગયા?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
તું થરથર કાંપ.
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
50 આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો. 51 પછી તેણે તેની પાસે દોડી જઈને તેની છાતી ઉપર ઊભા રહી તેની મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી તેનું માંથું ધડથી જૂદું કરીને તેને માંરી નાખ્યો.
પલિસ્તીઓએ જયારે જોયું કે પોતાનો યોદ્ધો માંર્યો ગયો છે ત્યારે તેઓ ભાગવા લાગ્યા. 52 ઇસ્રાએલ અને યહૂદાના લોકો રણગર્જના કરી આગળ ધસી આવ્યા અને ગાથ સુધી તથા એક્રોનની ભાગોળો સુધી પલિસ્તીઓની પાછળ પડયા. શાઅરાઈમથી માંડીને છેક ગાથ અને એક્રોન સુધીનો આખો રસ્તો ઘવાયેલા પલિસ્તીઓથી છવાઈ ગયો. 53 ઇસ્રાએલીઓએ પલિસ્તીઓનો પીછો કરીને પાછા ફરતા તેમની છાવણી લૂંટી.
54 દાઉદે ગોલ્યાથનું મસ્તક લીધું અને તે યરૂશાલેમ લઈ ગયો; એ પલિસ્તીના હથિયારો પોતાના તંબુમાં જ રહેવા દીધાં.
દાઉદથી શાઉલના ભયની શરૂઆત
55 જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”
આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”
56 એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”
57 આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો.
58 શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?”
દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”
યોનાથાન દાઉદનો નજીકનો મિત્ર બન્યો
18 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો. 2 તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ. 3 યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી. 4 અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.
4 ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.
5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(A) 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) 7 “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(B) 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(C) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(D)
14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”(E)
16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”(F) 17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.
29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!
33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.
35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.
યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ
(લૂ. 13:34-35)
37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’(A) એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International