Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 137

અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
    સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
    અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
    જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
    ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
    કેવી રીતે ગાઇ શકીએ?
હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
    “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
    અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
    અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.

હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
    તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
    તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
    માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
    તે ધન્ય કહેવાશે.

ગીતશાસ્ત્ર 144

દાઉદનું સ્તુતિગાન.

યહોવા મારો ખડક છે,
    તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
    તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
    મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
    તે મારા લોકોને
મારે તાબે કરે છે.
    યહોવા મારો સાચો પ્રેમ છે.

હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
    તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
    લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.

હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
    પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
    તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
    મને બહાર ખેચી કાઢો,
    અને વિદેશીઓથી મને બચાવો.
તેઓ જૂઠું બોલે છે,
    તેઓ છેતરપિંડી કરે છે.

હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
    તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
    તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
    આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
    તે લોકોથી તમે મને ઉગારો.

12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
    અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
    અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
    દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14     અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
    સર્વત્ર શાંતિ વિસ્તરો;
    શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.

15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
    જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.

ગીતશાસ્ત્ર 104

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
    તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
    તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
    વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
    અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
    જેથી તે કદી ચલિત થાય નહિ.
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
    અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
    તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
    અને ખીણો ઊંડી થઇ ગઇ.
તમે મહાસાગરોને હદ બાંધી આપી;
    જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
    અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
    અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
    અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
    અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
    તે આપણને ખેડવા છોડ આપે છે,
    અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
    આપણી ત્વચાને નરમ કરવા તેલ
    અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.

16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
    જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
    વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
    અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
    ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
    જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
    તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
    અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
    અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
    તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
    તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
    અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
    તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
    વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
    તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
    તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
    તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
    તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
    અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
    અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
    અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.

33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
    હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
    કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
    અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    તમે યહોવાની સ્તુતિ કરો!

1 શમુએલનું 14:16-30

16 બિન્યામીનના ગિબયાહમાંના શાઉલના પહેરેગીરોએ જોયું; પલિસ્તીઓનાં ટોળાના માંણસો આમતેમ વિખરાઈ જતાં હતા. 17 તેથી શાઉલે પોતાના માાંણસોને હુકમ કર્યો, “સૈનિકોની હાજરી લો અને કોણ ખૂટે છે તે શોધી કાઢો.”

તેઓએ જોયું તો યોનાથાન અને તેનો અંગરક્ષક ત્યાં ન હતા.

18 શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો. 19 પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને!”

20 પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યાં હતા. 21 અત્યાર સુધી જે હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષમાં હતા અને જેઓ તેમની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ ફરી ગયા અને શાઉલ અને યોનાથાન સાથેના ઇસ્રાએલીઓ સાથે જોડાઈ ગયા. 22 તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા.

23 આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ 10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું.

ફરી ભૂલ કરતો શાઉલ

24 તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.

25 તેઆએ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જમીન પર મધ જોયું. મધપૂડામાંથી મધ ટપકતું હતું. 26 તેઓ મધપૂડા સુધી ગયા છતાં શાઉલને આપેલા સોંગદને કારણે કોઇએ તે ખાધું નહિ. 27 પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો.

28 ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”

29 યોનાથાને તેને કહ્યું, “માંરા પિતાએ લોકોની ભારે કુસેવા કરી છે. જો, થોડું મધ ચાખવાથી પણ હું કેવો તાજો થઈ ગયો છું! 30 એ જ રીતે જો આપણા બધા માાંણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!”

પ્રેરિતોનાં કૃત્યો 9:10-19

10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”

અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”

11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે. 12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”

13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું. 14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”

15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ. 16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”

17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. 19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.

શાઉલનો જમસ્કમાં બોધ

શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો.

લૂક 23:32-43

32 ત્યાં બીજા બે ગુનેગારો પણ હતા તેઓને મારી નાખવા માટે તેઓ ઈસુની સાથે દોરી જતા હતા. 33 ઈસુ અને તે બે ગુનેગારોને “ખોપરી” નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો.

34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.”

સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે. 35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”

36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો. 37 સૈનિકોએ કહ્યું કે, “જો તું યહૂદિઓનો રાજા હોય તો તું તારી જાતને બચાવ!” 38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.”)

39 ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!”

40 પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું! 41 તારા અને મારા માટે મૃત્યુ ન્યાયી રીતે આવી રહ્યું છે કારણ કે આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કુકર્મો માટે યોગ્ય છે. આ માણસે તો કશું જ ખોટું કર્યુ નથી.” 42 પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!”

43 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, હું જે કહું છું તે સાચું છે. આજે તું મારી સાથે પારાદૈસમાં[a] હોઇશ!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International