Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 106

યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
    તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
    તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
    અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
    ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
    તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
    હું હર્ષનાદ કરું.
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
    અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
    અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
    તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

તો પણ, પોતાના નામની માટે
    અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
    અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
    અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
    તેઓમાંનો એકેય બચ્યો નહિ.

12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
    અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13 તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા;
    તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14 રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા,
    અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15 યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી;
    પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16 તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી,
    તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17 તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન,
    અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18 આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો,
    અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19 તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
    અને એ મૂર્તિની પૂજા કરી.
20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
    ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21 આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
    વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
    અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”

23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
    દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
    જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.[a]

24 તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો;
    અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25 તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી,
    ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26 તેથી યહોવાએ રેતીનાં રણમાં
    તેમને મારી નાખવા સમ લીધા.
27 તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે,
    અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.

28 પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા;
    એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા
    અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા;
    તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30 ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી;
    તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31 પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્
    તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.

32 મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા;
    મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33 તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં;
    અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.

34 યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી;
    તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35 પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા;
    અને તેઓના દુષ્ટ માર્ગો અપનાવ્યા.
36 તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી;
    અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37 વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ
    અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38 તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દોષ લોહી વહેવડાવ્યું;
    અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ,
    આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા;
    કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
    અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
    અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
    તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
    છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
    અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
    અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
    અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
    દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
    પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
    અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
    અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.

અને તમે યહોવાની સ્તુતિ કરો!

1 શમુએલનું 10:17-27

શાઉલની રાજા તરીકે શમુએલની જાહેરાત

17 શમુએલે ઇસ્રાએલીઓને યહોવાને મળવા માંટે મિસ્પાહમાં ભેગા કર્યા, અને કહ્યું, 18 “ઇસ્રાએલીઓના દેવ યહોવા કહે છે, ‘હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો. તમને તમાંરી મિસરીઓ નીચેની ગુલામીમાંથી અને તમાંરા ઉપર ત્રાસ ગુજારનાર સૌ રાજયોથી છોડાવી લાવ્યો હતો.’ 19 પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”

20 પછી શમુએલે પ્રત્યેક કુળસમૂહને આગળ આવવા કહ્યું અને યહોવાએ બિન્યામીનના કુળસમૂહને તારવી કાઢયો. 21 ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો.

તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ. 22 તેમણે યહોવાને પૂછયું, “એ માંણસ અહીં આવ્યો છે?”

ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે, “તે પેલા સામાંનમાં સંતાયેલો છે.”

23 ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો.

24 શમુએલે લોકોને કહ્યું, “યહોવાએ પસંદ કરેલા માંણસને તમે જોયો છે? સમગ્ર પ્રજામાં એના જેવો કોઇ નથી.”

પછી લોકોએ પોકાર્યું, “રાજા ઘણું જીવો.”

25 પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.

26 શાઉલ પણ પાછો પોતાને ઘેર ગિબયાહમાં ગયો; તેની સાથે કેટલાક યોદ્ધાઓ ગયા. જેમના હૃદયમાં દેવે શાઉલ પ્રત્યે વફાદારી જગાડી હતી. 27 પરંતુ કેટલાક મુશ્કેલી કરનારાઓએ કહ્યું, “આ માંણસ આપણો બચાવ શી રીતે કરવાનો છે?” અને તેમણે તેને તિરસ્કૃત કર્યો. અને તેને કશી ભેટ ધરી નહિ છતાં પણ શાઉલ શાંત રહ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 7:44-8:3

44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો. 45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા. 46 દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી. 47 પરંતુ સુલેમાન એક વ્યક્તિ હતો જેણે મંદિર બાધ્યું.

48 “પરંતુ પરાત્પર દેવ માણસોએ તેઓના હાથે બાંધેલા રહેઠાણોમાં રહેતો નથી. પ્રબોધકો જે લખે છે તેમ:

49 ‘પ્રભુ કહે છે,
આકાશ મારું રાજ્યાસન છે.
    પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે.
તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો?
    એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!
50 સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!’”(A)

51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો. 52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો. 53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”

સ્તેફનનું મૃત્યુ

54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા. 55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”

57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા. 58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા. 59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!” 60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.

1-3 શાઉલ સંમત હતો કે સ્તેફનની હત્યા કરવી એ સારી બાબત હતી.

વિશ્વાસીઓ માટે સંકટો

કેટલાક ધાર્મિક માણસોએ સ્તેફનને દફનાવ્યો. તેઓએ તેના માટે ઘણું રૂદન કર્યુ. તે જ દિવસે યરૂશાલેમમાં યહૂદિઓએ વિશ્વાસીઓના સમૂહની સતાવણી શરૂ કરી. યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો. બધાજ વિશ્વાસીઓએ યરૂશાલેમ છોડ્યું. માત્ર પ્રેરિતો જ રહ્યા. વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનમાં જુદા જુદા સ્થળોએ ગયા.

લૂક 22:52-62

52 ઈસુને પકડવા જે સમૂહ આવ્યો હતો તેઓ મુખ્ય યાજકો, વડીલો અને યહૂદિ સરદારો હતા. ઈસુએ તેઓને કહ્યું કે, “તમે તલવારો અને લાકડીઓ સાથે અહીં બહાર શા માટે આવ્યા છો? શું તમે વિચારો છો કે હું એક ગુનેગાર છું? 53 હું દરરોજ મંદિરમાં તમારી સાથે હતો. ત્યાં મને પકડવાનો પ્રયત્ન તમે શા માટે ન કર્યો? પણ આ તમારો સમય છે, એવો સમય જ્યારે અંધકારનું સાર્મથ્ય હોય છે.”

ઈસુને ઓળખું છું તેવું કહેવાનો પિતરનો ભય

(માથ. 26:57-58, 69-75; માર્ક 14:53-54, 66-72; યોહ. 18:12-18, 25-27)

54 તેઓ ઈસુને પકડીને દૂર લઈ ગયા. તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પિતર તેની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવી શક્યો નહિ. 55 સૈનિકો ચોકની વચમાં અજ્ઞિ સળગાવીને સાથે બેઠા હતા. પિતર તેઓની સાથે બેઠો. 56 એક સેવિકાએ પિતરને ત્યાં બેઠેલો જોયો. અજ્ઞિના પ્રકાશને કારણે તે જોઈ શકી. તે છોકરીએ નજીકથી પિતરના ચેહરાને જોયો, પછી તેણે કહ્યું કે, “આ માણસ પણ તેની (ઈસુની) સાથે હતો!”

57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.” 58 થોડા સમય પછી, બીજી એક વ્યક્તિએ પિતરને જોયો અને કહ્યું કે, “તું પણ તેમાંનો એક છે.”

પણ પિતરે કહ્યું, “ભાઈ, હું તેના શિષ્યોમાંનો એક નથી!”

59 લગભગ એક કલાક પછી બીજા એક માણસે કહ્યું કે, “તે સાચું છે! આ માણસ તેની સાથે હતો. તે ગાલીલનો છે!” તે માણસે કહ્યું કે આ બાબતની તેને ખાતરી હતી.

60 પણ પિતરે કહ્યું કે, “ભાઈ, તું શું વાત કરે છે, તે હું જાણતો નથી!”

જ્યારે તે બોલતો હતો કે તરત જ મરઘો બોલ્યો. 61 પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62 પછી પિતર બહાર ગયો અને ખૂબ રડ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International