Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 97

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીતશાસ્ત્ર 99-100

યહોવા રાજ કરે છે,
    પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
    સમગ્ર પૃથ્વી કાપો.
સિયોનમાં યહોવા મહાન છે
    તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
તેઓ તમારા મહાન
    અને ભયાવહ નામની સ્તુતિ કરો;
    તે પવિત્ર છે.
સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
    તમે ભલાઇનું સર્જન કર્યુ છે
    અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
આપણા દેવ યહોવા મોટો મનાવો,
    અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
    અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
    સહાયને માટે યહોવાને વિનંતી કરી;
    ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
    તેઓ તેમને આપેલા તેના આદેશો
    અને કાયદાને અનુસર્યા.
હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
    જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
    તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
    પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
    કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
    તેમની સમક્ષ આવો.
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
    તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
    આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
    અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
    આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
કારણ, યહોવા ઉત્તમ છે,
    તેમની કૃપા સર્વકાળ છે;
    અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 94-95

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
    હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
હે પૃથ્વીના ન્યાયાધીશ,
    ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
    કેટલી વધારે?
તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
    અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
    અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
    અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
    યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

હે મૂર્ખ લોકો,
    ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
    તમે ક્યારે ડાહ્યાં થશો?
જે કાનનો ઘડનાર છે,
    તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
    તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
    દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
    કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
    તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
    દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
    અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
    અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
    દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
    તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
    ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
    પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
    પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
    તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
    અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
    અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
    યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

1 શમુએલનું 6:1-16

દેવનો પવિત્રકોશ ઘરે પાછો મોકલાયો

યહોવાનો પવિત્રકોશ પલિસ્તીઓની ભૂમિમાં સાત મહિના હતો. પછી પલિસ્તીઓએ પોતાના જાદુગરોને અને યાજકોને બોલાવીને પૂછયું, “યહોવાના કરારકોશનું આપણે શું કરીશું? અમને કહો કે શી રીતે એને પાછો એના ઠેકાણે મોકલવો? તે અમને કહો.”

તેઓએ જવાબ આપ્યો, “જો તમાંરે યહોવાના પવિત્રકોશને તેની જગ્યાએ પાછો મોકલવો હોય, તો તે ખાલી મોકલશો નહિ. તેને દોષાર્થાપણે સાથે મોકલો જેથી ઇસ્રાએલના દેવ તમને માંફ કરે.”

પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?”

તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા. ઉંદરો દેશનો નાશ કરી રહ્યાં હતા, અને લોકો પણ ગુમડાંથી હેરાન થયા. તેથી ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં ના પાંચ સોનાના નમૂના બનાવો અને ઇસ્રાએલના દેવને તેમની પ્રશંસામાં અર્પણ કરો. જેથી દેવ તમને તમાંરા દેવોને અને તમાંરી ભૂમિને સજા કરવાનું બંધ કરે. ફારુન અને મિસરીઓની જેમ હઠીલા થશો નહિં! યાદ રાખજો કે તેમણે ઇસ્રાએલીઓને મિસરમાંથી જવા ન દીધા ત્યાં સુધી દેવે તેમને હેરાન કર્યા હતા.

“હવે એક નવું ગાડું તૈયાર કરો, અને જેને કદી ખેતરોમાં ખેડવા માંટે ન વાપર્યું હોય, અને હાલમાં જ વાછરડાં જન્મ્યાં તેવી બે ગાય મંગાવો, વાછરડાઓને તેની માંતાઓ પાછળ જવા ન દેતા. ગાયોને ગાડે જોડો, તેમનાં વાછરડાંને વાડામાં પાછા મોકલો. પછી પવિત્ર કોશને ગાડા ઉપર મૂકો. કોશની બાજુની થેલીમાં સોનાનાં નમૂનાઓ મુકો. સોનાનાં નમૂનાઓ તમાંરા પાપોને માંફ કરવા માંટે દેવને ભેટ છે. પછી ગાડાને સીધું તેના રસ્તે મોકલો. ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.”

10 પછી તે લોકોએ એ પ્રમાંણે કર્યુ. તેમણે બે દૂઝણી ગાયો લીધી અને તેમને ગાડાએ જોડી અને તેમનાં વાછરડાંને કોઢમાં પૂરી દીધાં. 11 તેમણે દેવના પવિત્રકોશને ગાડામાં મૂકી અને તેની સાથે સોનાનાં ઉંદરો અને સોનાનાં ગુમડાના નમૂનાઓ મૂક્યા. 12 ગાયો સીધી બેથ-શેમેશને માંગેર્ ચાલવા માંડી. તેઓ ભાંભરડા નાખતી ડાબે કે જમણે હાથે વળ્યા વગર સીધીને સીધી ચાલતી રહી. પલિસ્તી સરદારો બેથ-શેમેશની સરહદ સુધી તેમની પાછળ પાછળ ગયા.

13 તે વખતે બેથ-શેમેશના લોકો ખીણમાં, નીચાણમાં ઘઉં કાપતા હતા. એકાએક ઊંચું જોતાં જ પવિત્રકોશ તેમની નજરે પડ્યો, અને એને જોઈને તેઓ આનંદમાં આવી ગયા. 14 ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી. 15 પછી લેવીઓએ યહોવાનો પવિત્રકોશ અને સોનાના દાગીનાવાળો દાબડો ઉતારી લીધાં અને પેલા મોટા પથ્થર ઉપર મૂકયાં, પછી બેથ-શેમેશના લોકોએ તે દિવસે યહોવાને દહનાર્પણો ચડાવ્યાં.

16 પાંચ પલિસ્તી શાસનકર્તાઓએ આ બધું જોયું અને તે જ દિવસે પાછા એક્રોન ચાલ્યા ગયા.

પ્રેરિતોનાં કૃત્યો 5:27-42

27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો. 28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”

29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ. 30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે. 31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે. 32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”

33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી. 34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું. 35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. 36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. 37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. 38 અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે. 39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!”

ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા. 40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા. 41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા. 42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.

લૂક 21:37-22:13

37 દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો. 38 સવારે બધા લોકો વહેલા ઊઠતા અને ઈસુને ધ્યાનથી સાંભળવા મંદિરમાં જતા.

યહૂદિ આગેવાનોની ઈસુને મારી નાખવાની ઈચ્છા

(માથ. 26:1-5, 14-16; માર્ક 14:1-2, 10-11; યોહ. 11:45-53)

22 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા.

યહૂદાની ઈસુ વિરૂદ્ધ યોજના

(માથ. 26:14-16; માર્ક 14:10-11)

ઈસુના બાર પ્રેરિતોમાં એકનું નામ યહૂદા ઈશ્કરિયોત હતું. શેતાન યહૂદામાં પેઠો. અને તેને ખરાબ કૃત્યો કરવા પ્રેર્યો. યહૂદા મુખ્ય યાજકો અને કેટલાએક સરદારો જે મંદિરના રક્ષકો હતા તેઓને મળ્યો અને તેઓની સાથે વાતો કરી. યહૂદિએ તેઓને ઈસુને કેવી રીતે સોંપવો તે સંબંધી મસલત કરી. યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું. યહૂદાએ સંમતી આપી. પછી યહૂદા તેઓને ઈસુ સોંપવાના ઉત્તમ યમયની રાહ જોવા લાગ્યો. અને લોકો તેની આજુબાજુ હાજર ના હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સોંપવાની તક જોવા લાગ્યો.

પાસ્ખા ભોજનની તૈયારી

(માથ. 26:17-25; માર્ક 14:12-21; યોહ. 13:21-30)

બેખમીર રોટલીનો દિવસ આવ્યો. આ તે દિવસ હતો જ્યારે યહૂદિઓ પાસ્ખાના યજ્ઞમાં ઘેટાઓનું બલિદાન આપતા હતા. ઈસુએ પિતર અને યોહાનને કહ્યું કે, “જાઓ, આપણે ખાવા માટે પાસ્ખા ભોજન તૈયાર કરો.”

પિતર અને યોહાને ઈસુને કહ્યું કે, “તું આ ભોજનની તૈયારી અમારી પાસે ક્યાં કરાવવા ઈચ્છે છે?”

ઈસુએ તેઓને કહ્યું, 10 “સાંભળો! તમે શહેરમાં અંદર જશો, ત્યાર બાદ તમે એક માણસને પાણીની ગાગર લઈ જતા જોશો. તેની પાછળ જજો. તે એક મકાનમાં જશે. તમે તેની સાથે જાઓ. 11 તે ઘરના માલિકને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તું કૃપા કરીને અમને તે ખંડ બતાવ જ્યાં હું અને મારા શિષ્યો પાસ્ખા ભોજન લઈશું.’ 12 પછી તે માણસ જે મકાનનો માલિક છે તે તેમને મેડી પર એક મોટો ખંડ બતાવશે. આ ખંડ તમારા માટે તૈયાર હશે ત્યાં પાસ્ખા ભોજન તૈયાર કરો.”

13 તેથી પિતર અને યોહાન ગયા. ઈસુએ કહ્યા પ્રમાણે જ બધું બન્યું. તેથી તેઓએ પાસ્ખા ભોજન તૈયાર કર્યુ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International