Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 80

નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
    તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
    અમને પ્રકાશ આપો!
એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
    અમને તારવાને આવ.
હે દેવ, અમને તમે ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના યહોવા દેવ,
    ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
    અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
    અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
    જેથી અમારો ઉદ્ધાર થાય.

તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
    અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
    તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
    અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
    અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
    કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
    અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
    અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
    જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
    તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17 તમારા જમણા હાથે જે માણસ છે,
    અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
    અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 77

નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
    મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
    મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
    જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
    મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
    પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
    હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
હું અગાઉના દિવસો
    અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
    હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
    ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
    શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
    શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
    અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
    અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
    અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
    તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
    તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
    તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
    અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
    વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
    વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
    અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
    તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
    તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

ગીતશાસ્ત્ર 79

નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
    અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
    અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
    અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
    ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
    તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
    તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
    જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
    અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
    અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
    અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
હે અમારા તારણના દેવ,
    અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
    હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
    અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
    “ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
    તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
    તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
    તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
    તમારા લોક તથા ચારાના ઘેટાઁ
    પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.

1 શમુએલનું 1:1-20

શીલોહમાં એલ્કાનાહ અને તેના કુળની પ્રાર્થના

એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.

તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.

પ્રતિવર્ષ એલ્કાનાહ અને તેનું કુટુંબ સાથે સર્વસમર્થ દેવની ઉપાસના કરવા અને અર્પણો અર્પણ કરવા માંટે શીલોહ જતા હતા. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ યહોવાના યાજકો તરીકે સેવા આપતા હતા. જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો. એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો.

પનિન્નાના મહેણાંથી હેરાન હાન્ના

પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી. પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ. તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

હાન્નાની પ્રાર્થના

એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો. 10 હાન્ના બહુ દુ:ખી હતી. તેણીએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે તેણી બહુ રડી. 11 તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”

12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા. 13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો, 14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.”

15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું. 16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”

17 એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”[a]

18 હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.

19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા.

શમુએલનો જન્મ

એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ. 20 આજ સમયે તેના પછીના વર્ષે હાન્ના ગર્ભવતી બની અને તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ શમુએલ પાડયું. કારણ, તે કહેતી, “મેં યહોવા પાસે તેને માંગ્યો હતો.”

પ્રેરિતોનાં કૃત્યો 1:1-14

લૂક બીજુ પુસ્તક લખે છે

વહાલા થિયોફિલ,

મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”

ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે

બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”

ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”

પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”

એક નવા પ્રેરિતની પસંદગી

12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.

લૂક 20:9-19

દેવ તેના પુત્રને મોકલે છે

(માથ. 21:33-46; માર્ક 12:1-12)

પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી, “એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી. કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો. 10 થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો. 11 તેથી તે માણસે બીજા એક ચાકરને મોકલ્યો. ખેડૂતોએ આ ચાકરને પણ માર્યો. તેઓએ તેનું સહેજ પણ માન રાખ્યું નહિ. તે ખેડૂતોએ તે ચાકરને કાંઇ આપ્યા વિના કાઢી મૂક્યો. 12 તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો, ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો.

13 “ખેતરના માલિકે કહ્યું કે, ‘હવે હું શું કરું? હું મારા પુત્રને મોકલીશ. હું મારા પુત્રને ઘણો ચાહું છું. કદાચ ખેડૂતો મારા પુત્રને માન આપે!’ 14 જ્યારે ખેડૂતોએ પુત્રને જોયો ત્યારે તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ માલિકનો દીકરો છે. આ ખેતરો તેના થશે.’ જો આપણે તેને મારી નાખીશું ત્યાર પછી તેના ખેતરો આપણા થશે. 15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો.

“આ ખેતરનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.”

લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!” 17 પરંતુ ઈસુએ તેઓની તરફ નજર કરી અને કહ્યું કે, “તો પછી આ લખાણનો શો અર્થ:

‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો. તે જ ખૂણાનું મથાળું થયો?’(A)

18 જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે!”

19 શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો આ વાર્તા જે ઈસુએ કહી તે સાંભળી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ તે વખતે ઈસુને પકડવા ઈચ્છતા હતા. પરંતુ લોકો કંઈ કરશે તો તેવો તેઓને ડર હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International