Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 40

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
    તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
    તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
    અને મારા પગલા સ્થિર કર્યા.
તેમણે આપણા દેવનું સ્તોત્ર,
    મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
    અને યહોવા પર ભરોસો રાખશે.
જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
    તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
    તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
    હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
    તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
    તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
    ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
    તમારો નિયમ મારા હૃદયમાં છે.”
એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
    હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
    મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
    અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
    તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.

12 કારણ, મારા માથે સમસ્યાઓનો
    ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
    હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
    મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
    હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
    તેઓ ફજેત થાઓ
    અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
    તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
    તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
    ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”

17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
    હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
    માટે હવે વિલંબ ન કરશો.

ગીતશાસ્ત્ર 54

નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.

હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
    અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
    મારા મોઢાંની વાતો કાને ઘરો.
વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
    મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.

યહોવા દેવ, મને સહાય કરનાર છો,
    મારા જીવનનો એજ આધાર છે.
યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
    હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
    હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
    મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીતશાસ્ત્ર 51

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
    અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
    અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
    દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.

પુનર્નિયમ 26:1-11

પ્રથમ પેદાશ અને યહોવાનો ભાગ

26 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તમે પહોંચો અને તેનો કબજો લઈને તેમાં વસવાટ કરો, ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો. અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, ‘હું તમાંરા દેવ યહોવા સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ અમને આપવાનું યહોવાએ અમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તેમાં અમે પ્રવેશ કર્યો છે.’

“પછી યાજકે તમાંરા હાથમાંથી ટોપલો લઈને તમાંરા દેવ યહોવાની વેદી સમક્ષ મુકવો. પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા, પરંતુ મિસરીઓએ અમાંરી સાથે દુર્વ્યવહાર કર્યો, અમને ગુલામ બનાવી, અમાંરા પર ત્રાસ ગુજારી અને અત્યાચાર કરી, અમાંરી પાસે મજુરી કરાવી. ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા; અને તેણે પરચાઓ તથા અદ્ભૂત કૃત્યો કર્યા, કે જે મિસરવાસીઓના મનમાં ખૂબ ભય લાવ્યાં,અને તેના પ્રચંડ બાહુબળથી તે આપણને મિસર માંથી બહાર લાવ્યા. અને અમને આ જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો આ પ્રદેશ આપ્યો. 10 અને હવે, હે યહોવા જુઓ જે પ્રદેશ તમે મને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ, હું લાવ્યો છું.’

“પછી ત્યાં તમાંરા યહોવા દેવ સમક્ષ તે ભાગ મૂકીને દંડવત પ્રણામ કરી તેમની ઉપાસના કરવી. 11 અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

2 કરિંથીઓ 8:16-24

તિતસ અને તેના સાથીદારો

16 દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે. 17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો. 18 અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે. 19 જ્યારે અમે આ ભેટ લઈ જતા હતા, ત્યારે પણ અમારી સાથે આવવા, મંડળીઓ દ્વારા આ ભાઈની પસંદગી થઈ હતી. અમે આ સેવા કરીએ છીએ. પ્રભુનો મહિમા વધારવા, અને એ દર્શાવવા કે અમે ખરેખર મદદરૂપ થવા માગીએ છીએ.

20 અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે. 21 અમે આ વસ્તુઓ એ રીતે કરવા ધારીએ છીએ. જે પ્રભુની આંખો સમક્ષ ન્યાયી છે. લોકો જેને ન્યાયી ગણે છે તેવું કરવાનો અમારો ઈરાદો છે.

22 અમે તેઓની સાથે અમારા ભાઈને પણ મોકલીએ છીએ, જે હમેશા મદદરૂપ થવાને તૈયાર હોય છે. ઘણી રીતે તેણે આ બાબતમાં અમને સાબિતી આપી છે. અને હવે જ્યારે તેને તમારામાં ઘણો વિશ્વાસ છે ત્યારે તો તે વધુ મદદરૂપ થવા ઈચ્છે છે.

23 હવે તિતસ વિષે-તે મારો સાથીદાર છે. તમને મદદરૂપ થવા તે મારી સાથે કામ કરે છે. અને બીજા ભાઈઓ માટે તેઓ મંડળીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને તેઓ દેવને મહિમા આપે છે. 24 તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે.

લૂક 18:9-14

દેવ સાથે સારા બનવું

ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો. 10 “એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો. 11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, ‘ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું. 12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’

13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’ 14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International