Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66-67

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીતશાસ્ત્ર 19

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
    અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
    દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
    કોઇ અવાજ સંભળાતો નથી,
પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
    સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.

તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
    તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
    તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
તે આકાશને એક છેડેથી નીકળી
    અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
    તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
    તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
    તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
યહોવાના વિધિઓ યથાર્થ છે.
    તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
    જે આંખોને પ્રકાશ આપે છે.

યહોવા માટેનો ભય શુદ્ધ
    અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
    તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
    વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
    અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
    છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
    મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
    અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
    મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.

ગીતશાસ્ત્ર 46

નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.

દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
    આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
    ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
    અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
    ને પર્વતો ધ્રુજી ઉઠે.

ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
    દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
દેવ સ્વયં તે નગરમાં વસે છે.
    દેવ પરોઢિયે તેની સહાય કરશે,
    તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
    જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.

આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
    આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.

આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
    તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
    ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
    અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
    કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
    અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
    યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

હઝકિયેલ 3:16-27

16 સાત દિવસો પૂરા થયા પછી મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલ પર ચોકીદાર તરીકે નીમ્યો છે; જ્યારે હું મારા લોકો માટે ચેતવણી મોકલું ત્યારે તે તરત જ તેઓને જણાવજે. 18 હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.

19 “પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે તો, તે પોતાના પાપે મરશે, પણ તારો જીવ બચી જશે.

20 “વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ.

21 “પણ જો તું કોઇ સારા માણસને પાપ ન કરવાને ચેતવે અને તે પાપ ન કરે તો તે તારી ચેતવણીને લીધે જીવતો રહેશે, એટલું જ નહિ, તારો જીવ પણ બચી જશે.”

22 ત્યારે યહોવાનો હાથ મારી પર એ જગ્યાએ આવ્યો અને તેણે મને કહ્યું, “ઊઠ, બહાર ખીણમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ.”

23 તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા. 24 પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે. 25 હે મનુષ્યના પુત્ર, તને દોરડાં વડે બાંધવામાં આવશે, જેથી તું લોકોમાં જઇ ન શકે. 26 અને હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઇશ. જેથી તું મૂંગો બની જશે અને તેઓને ઠપકો આપી શકશે નહિ; તેઓ તો બળવાખોરોની જમાત છે. 27 પરંતુ મારે તને કઇંક કહેવું હશે ત્યારે હું તને ફરી બોલતો કરીશ, અને તું તેમને કહેજે કે, ‘યહોવા આપણા પ્રભુ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, એ તો બળવાખોરોની જમાત છે.”

એફેસીઓ 2:1-10

મૃત્યુથી જીવન તરફ

ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.

પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે. દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.

હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે. ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે. 10 દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.

માથ્થી 10:24-33

24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!

પ્રભુથી ડરો, લોકોથી નહિ

(લૂ. 12:2-7)

26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.

28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.

લોકોને તમારા વિશ્વાસ વિષે કહો

(લૂ. 12:8-9)

32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.

માથ્થી 10:40-42

જે વ્યક્તિ આપણી વિરુંદ્ધ નથી તે આપણા પક્ષનો છે

(માર્ક 9:41)

40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International