Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 8

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીતશાસ્ત્ર 47

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
    આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
    રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
    અને આપણા શાસન નીચે મૂકે છે.
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
    અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
    યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
    પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
    તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
    અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
    નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
    દેવ સવોર્ચ્ચ છે.

ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

હઝકિયેલ 1:1-14

ભૂમિકા

આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં. આ દર્શન દરમ્યાન પાંચમા વર્ષમાં ચોથા મહીનાના પાંચમા દિવસે યહોયાકીન રાજાને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો.

યહોવાનો રથ અને તેમનું સિંહાસન

તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી. તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા. દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું. 11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી. 12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

13 આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 અને તે પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ વધતાં હતાં તથા પાછળ જતાં હતાં.

હઝકિયેલ 1:24-28

24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા.

25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી. 26 જાણે ચાંદી, પિત્તળ, લોખંડ, સીસુ અને જસતને ઓગાળીને અગ્નિમાં એકઠા કર્યા હોય તેમ તેઓનાઁ માથાઁ પર પ્રસારેલા ઘૂમટની ઉપર જાણે નીલમનું બનાવેલું હોય તેવું રાજ્યાસન જેવું દેખાયું. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવો આકાર દેખાયો. 27 તેની કમરનો ઉપરનો સમગ્ર ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, અને કમરની નીચેનો સમગ્ર ભાગ અગ્નિની જેમ પ્રકાશતો હતો. તેની ચારે બાજુએ ઝળહળાટ વ્યાપેલો હતો. 28 એ ઝળહળાટમાં ચોમાસામાં થતા મેઘધનુષની જેવા બધા રંગો દેખાતા હતાં. આ રીતે યહોવાના મહિમાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થયું. તે જોઇને મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને મને સંબોધતી કોઇની વાણી મારા સાંભળવામાં આવી.

હિબ્રૂઓ 2:5-18

તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો

નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,

“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
    શું તે એટલો બધો અગત્યનો છે?
થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
    તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)

તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.

10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.

11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,

“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
    તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (B)

13 તે એમ પણ કહે છે,

“હું દેવ પર ભરોસો રાખીશ” (C)

અને તે કહે છે,

“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (D)

14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[a] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.

માથ્થી 28:16-20

ઈસુની પોતાના શિષ્યો સાથે વાતચીત

(માર્ક 16:14-18; લૂ. 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)

16 પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા. 17 તેઓએ જ્યારે ઈસુને જોયો ત્યારે તેનું ભજન કર્યુ. પણ તે ખરેખર ઈસુ હતો કે કેમ? તે બાબતની કેટલાકને શંકા થઈ. 18 ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19 તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો. 20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International