Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2 યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4 હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5 જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
હું હર્ષનાદ કરું.
6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
7 મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8 તો પણ, પોતાના નામની માટે
અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
9 તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
તેઓમાંનો એકેય બચ્યો નહિ.
12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13 તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા;
તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14 રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા,
અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15 યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી;
પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16 તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી,
તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17 તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન,
અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18 આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો,
અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19 તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
અને એ મૂર્તિની પૂજા કરી.
20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21 આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.[a]
24 તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો;
અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25 તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી,
ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26 તેથી યહોવાએ રેતીનાં રણમાં
તેમને મારી નાખવા સમ લીધા.
27 તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે,
અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.
28 પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા;
એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા
અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા;
તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30 ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી;
તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31 પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્
તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.
32 મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા;
મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33 તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં;
અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.
34 યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી;
તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35 પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા;
અને તેઓના દુષ્ટ માર્ગો અપનાવ્યા.
36 તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી;
અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37 વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ
અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38 તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દોષ લોહી વહેવડાવ્યું;
અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ,
આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા;
કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.
અને તમે યહોવાની સ્તુતિ કરો!
બીજા લોકો પાસે પાપ કરાવશો નહિ
13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે. 14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.
15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે. 16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. 17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે. 18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.
19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. 20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય. 21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.
22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે. 23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.
ઈસુ મૃત છોકરીને જીવનદાન આપે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે
(માથ. 9:18-26; માર્ક 5:21-43)
40 ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી. 41 ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો. 42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી.
જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું. 43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો. 44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. 45 પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”
બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”
46 ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.” 47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. 48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”
49 હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.”
50 ઈસુએ આ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.”
51 ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ. 52 બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.”
53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” 55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” 56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International