Book of Common Prayer
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દાલેથ
25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
હે
33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
એટલે હું તમારા નિયમ પાળીશ;
હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
દાનિયેલ અને બેલ્શાસ્સાર
5 રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો. 2 દ્રાક્ષારસ પીતાં પીતાં બેલ્શાસ્સારને યાદ આવ્યું કે, ઘણા સમય પહેલાં તેના પિતા નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના પાત્રો લૂંટી લાવ્યા હતા. તેણે એ પાત્રોને ઉજાણીમાં લઇ આવવાની આજ્ઞા કરી, જેથી તે અને તેના ઉમરાવો તથા તેની પત્નીઓ અને ઉપપત્નિઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પી શકે. 3 યરૂશાલેમના મંદિરમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો હાજર કરવામાં આવ્યાં અને રાજાએ તથા તેના ઉમરાવોએ તે પાત્રોમાં દ્રાક્ષારસ પીધો. 4 દ્રાક્ષારસ પીને તેઓ સોનાચાંદી, કાંસાની અને લોઢાની તથા લાકડામાંથી બનાવેલ મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
5 તે સમયે અચાનક કોઇ માણસના હાથની આંગળીઓ દીવીની સામે આવેલી રાજમહેલની ભીંત ઉપર કાંઇ લખતી દેખાઇ, અને રાજા હાથને લખતો જોઇ રહ્યો.
6 તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં. 7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “મંત્રવિદો, અને જાદુગરોને બોલાવી લાવો.” રાજાએ બાબિલના બુદ્ધિમાન પુરુષોને કહ્યું, “જે કોઇ આ લખાણ વાંચી શકશે અને એનો અર્થ મને કહી શકશે, તેને હું જાંબુડિયા રંગનો ઝભ્ભો અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન પામશે.”
8 પછી રાજાના સર્વ બુદ્ધિમાનો ત્યાં હાજર થઇ ગયાં, પણ તેઓમાંનો એક પણ બુદ્ધિમાન પુરુષ તે લખાણ વાંચી શક્યો નહિ. તથા સમજી શક્યો નહિ તેથી રાજાને તેઓ કશું સમજાવી ન શક્યા. 9 તેથી રાજા બેલ્શાસ્સાર ખૂબ ભયભીત થઇ ગયો અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના અધિકારીઓ પણ બહુ ગભરાઇ ગયા.
10 જ્યારે રાજમાતાએ જે થઇ રહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે તરત જ ઉજાણીના ખંડમાં દોડી આવી; તેણે બેલ્શાસ્સારને કહ્યું, “હે રાજા તમે ઘણું જીવો! તમે ગભરાઇ જશો નહિ. તમારે ફિક્કા પડી જવાની જરૂર નથી. 11 તમારા રાજ્યમાં એક માણસ એવો છે, જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના સમયમાં એ માણસ દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી માટે જાણીતો હતો અને તમારા પિતા નબૂખાદનેસ્સારે એને જાદુગરો, મંત્રવિદોનો અધ્યક્ષ બનાવ્યો હતો. 12 તે માણસનું નામ દાનિયેલ છે પરંતુ રાજાએ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનું મન દૈવી જ્ઞાન અને સમજશકિતથી ભરેલું છે. તે સ્વપ્નનું અર્થઘટન કરી શકે છે. સમસ્યાઓને ઉકેલી શકે છે. અને કઠીન કોયડાઓને હલ કરી શકે છે. તે આ લખાણનો અર્થ શો છે તે તમને સમજાવશે.”
દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે
5 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. 2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. 3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. 4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. 5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે
6 જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે. 7 તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે: 8 કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.
9 તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે. 10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી. 11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે. 12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.
પિતરની સાસુને ઈસુ સાજી કરે છે
(માથ. 8:14-17; માર્ક 1:29-34)
38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી. 39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.
અન્ય શહેરોમાં ઈસુનું પ્રયાણ
(માર્ક 1:35-39)
42 બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ. 43 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “દેવના રાજ્યની સુવાર્તા મારે અન્ય શહેરોમાં પણ પહોંચાડવી જોઈએ. અને તે માટે જ મને મોકલવામા આવ્યો છે.”
44 આમ ઈસુ યહૂદિયાના સભાસ્થાનોમાં ઉપદેશ પ્રગટ કરતો ફર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International