Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:1-24

આલેફ

જેઓ પવિત્ર જીવન જીવે છે,
    તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
    તેઓ સર્વ આશીર્વાદિત છે.
તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
    અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
તમે અમને નિયમો આપ્યાં છે,
    તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
    તેમ હું ઇચ્છુ છું.
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
    હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
    ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
હું તમારા વિધિઓને અનુસરીશ,
    તેથી કૃપા કરી મને છોડશો નહિ!

બેથ

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
    તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
    તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
    જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
    મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
    મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
    હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
    હું તેમને ભૂલી જઇશ નહિ.

ગિમેલ

17 મને તમારા સેવકને બદલો આપો;
    જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
    મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
    તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
    માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
    તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
    કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
    મારી વિરુદ્ધ બોલતા હતા;
    પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
    તેઓ મારા સલાહકારો પણ છે.

ગીતશાસ્ત્ર 12-14

નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, રક્ષા કરો;
    દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
    તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
    લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
    અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
    અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”

યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
    અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
    તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
    તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

યહોવાના શબ્દો સાત વખત
    ભઠ્ઠીમાં તપાવેલી
    ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

હે યહોવા, તેઓને સંભાળજો;
    આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
    અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
    શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
    જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
    કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?

હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
    જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
    મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.

મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
    તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
    કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
    તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.

યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
    કે કોઇ ડાહ્યાં લોકો છે
    કે જેમને દેવની મદદની જરૂર છે.
પણ ના! ત્યાં કોઇ નથી.
    બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
    દૂર થઇ ગયા છે.

તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
    અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
    તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
    કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
    પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.

ભલે ઇસ્રાએલનું તારણ
    સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
    ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
    અને ઇસ્રાએલ સુખી થશે.

દાનિયેલ 2:17-30

17 પછી દાનિયેલે ઘરે જઇને તેના સાથીદારો હનાન્યા, મીશાએલ, અને અઝાર્યાને સર્વ વાત સમજાવી. 18 અને તેણે તેઓને કહ્યું, આપણે સ્વર્ગાધિપતિ દેવને પ્રાર્થના કરીએ, જેથી તે દયા લાવીને આપણને આ રહસ્યનો ભેદ જણાવે, અને આપણે બાબિલના રાજકીય સલાહકારો ભેગા મરવું પડે નહિ.

19 ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.

20 “આવનારા યુગો સુધી દેવની સ્તુતિ થાઓ!
    એ જ જ્ઞાન અને શકિતનો ભંડાર છે.
21 કાળનો અને ઋતુચક્રનો એ જ નિયામક છે.
    એ જ રાજાઓને પદષ્ટ કરે છે
    અને ગાદીએ બેસાડે છે.
જ્ઞાનીને જ્ઞાન
    અને વિદ્વાનને વિદ્યા આપનાર છે.”
22 તે માણસના ઊંડા રહસ્યોને ખુલ્લા કરે છે.
    તે જાણે છે કે, અંધારામાં શું છે.
    પ્રકાશ તેની સાથે રહે છે.
23 હે મારા પિતૃઓના દેવ,
    હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કારણ,
તમે જ મને જ્ઞાન અને શકિત આપી છે,
    તમે મને રાજાનું સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો છે.

દાનિયેલ સ્વપ્નનો અર્થ કહે છે

24 પછી બાબિલના બુદ્ધિમાન માણસોને મારી નાખવાનો હુકમ જેને મળ્યો હતો, તે આર્યોખ પાસે દાનિયેલ ગયો અને કહ્યું, “તેઓને મારી નાખીશ નહિ, મને રાજા પાસે લઇ જા અને હું તેમને સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”

25 આર્યોખ તે જ સમયે દાનિયેલને રાજા સમક્ષ લઇ ગયો અને બોલ્યો, “મને યહૂદાના બંદીઓમાંથી એક માણસ મળી આવ્યો છે, જે આપને આપના સ્વપ્નનો અર્થ બતાવી શકશે.”

26 આથી રાજાએ દાનિયેલને કહ્યું, “મેં સ્વપ્નમાં શું જોયું હતું અને તેનો અર્થ શો, એ તું મને કહી શકશે?”

27 દાનિયેલે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “આપ નામદાર જે રહસ્ય જાણવા માંગો છો, તે આપને કોઇ વિદ્વાન, મંત્રવિદ, જાદુગર, કે, ભવિષ્યવેત્તા કહી શકે તેમ નથી. 28 પરંતુ આકાશમાં એક દેવ છે, જે રહસ્યો ખુલ્લા કરે છે અને તેણે આપ નામદાર નબૂખાદનેસ્સારને ભવિષ્યમાં શું થવાનું છે તે દર્શાવ્યું છે. આપે આપની ઊંઘમાં જે સ્વપ્ન જોયું હતું, જે સંદર્શન તમે નિહાળ્યું હતું તે આ છે: 29 આપને ભવિષ્યના વિચારો આવ્યા હતા: અને તે જે રહસ્યો જણાવે છે, તેણે ભવિષ્યમાં શું થવાનું છે, તે આપને જણાવ્યું હતું. 30 દેવે મારી મારફતે રહસ્ય પ્રગટ કરાવ્યું, તેનું કારણ એ નથી કે, હું બીજા માણસો કરતાં વધારે જ્ઞાની છું, પણ એટલા માટે જણાવવામાં આવ્યું છે કે, જેથી આપ નામદારને એની જાણ થાય અને આપ આપને આવેલા વિચારો સમજી શકો.

1 યોહાન 2:12-17

12 વહાલા બાળકો, હું તમને લખું છું,
    કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું
    કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો,
જુવાનો, હું તમને લખું છુ,
    કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
14 બાળકો હું તમને લખું છું,
    કારણ કે તમે પિતાને ઓળખો છો.
પિતાઓ, મેં તમને લખ્યું છે
    કારણ કે જે આરંભથી ત્યાં હતો
તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે.
    કારણ કે તમે બળવાન છો;
દેવનું વચન તમારામાં છે,
    અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

15 જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી. 16 જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા, આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે. 17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.

યોહાન 17:20-26

20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે. 21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે. 22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય. 23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.

24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે. 25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે. 26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International