Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.
1 હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
મારી રક્ષા કરો.
2 કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
3 હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
4 જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
તેઓ મારા માથાના વાળથી વધારે છે;
હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
5 હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
6 હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
7 મેં તમારા માટે શરમ સહન કરી છે,
ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
8 મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
9 કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
સહન કરવાં પડે છે.
મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
યર્મિયાની યહોવાને ફરિયાદ
12 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું
ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે.
તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે,
દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે?
બદમાશો કેમ નિરાંતે જીવે છે?
2 તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે.
અને તેઓનો વેપાર વધતો જાય છે,
તેઓ ઘણો નફો કરે છે.
અને ધનવાન થાય છે.
તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.
3 હે યહોવા, તમે મને જાણો છો,
તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે?
તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા,
અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.
4 અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે?
તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ
પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે!
વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે.
દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે,
“આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!”
દેવનો યર્મિયાને જવાબ
5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં
તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે?
જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો,
યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?
6 અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ
અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે.
તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે.
તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે,
છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”
યહોવાએ પોતાના લોકોનો અને યહૂદાનો ત્યાગ કર્યો
7 પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો,
મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે;
મારી અતિપ્રિય પ્રજાને
મેં શત્રુઓને સ્વાધીન કરી છે.
8 મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે.
અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.
9 મારા પોતાના લોકો
કાબરચીતરાં બાજ જેવા છે;
બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે.
ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ
અને મિજબાનીમાં જોડાઇ જાઓ.
10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે.
તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે.
અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે.
11 તેઓએ આખી ભૂમિને
વેરાન કરી નાખી છે,
કારણકે ત્યાં રહેતી કોઇ
પણ વ્યકિત તેની કાળજી લેતી નથી.
12 વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે.
કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે.
દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી
બધાના જીવને અશાંતિ છે.
13 મારા લોકોએ ઘઉં વાવ્યા છે
અને કાંટા લણ્યા છે.
મહેનત તો ઘણી કરી છે,
પણ કશું પ્રાપ્ત થયું નથી.
મારા ઉગ્ર રોષને લીધે
તેઓની ફસલ નકામી ગઇ છે.”
ઇસ્રાએલના પડોશીયોને યહોવાના વચન
14 યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ. 15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ. 16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.
બીજા બધા કરતાં ખ્રિસ્ત વધુ મહત્વનો છે
3 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો.
2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. 3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા. 4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે. 5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો. 6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો. 7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી. 8 માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો. 9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો. 10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું. 11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું.
ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન
12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
લાજરસ વિરૂદ્ધ યોજન
9 યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો. 10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી. 11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.
ઈસુનો યરૂશાલેમમાં પ્રવેશ
(માથ. 21:1-11; માર્ક 11:1-11; લૂ. 19:28-40)
12 બીજે દિવસે યરૂશાલેમમાં લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં આવતો હતો. ત્યાં ઘણા લોકો હતા જે પાસ્ખાપર્વમાં આવ્યા હતા. 13 તે લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ લીધી અને ઈસુને મળવા બહાર ગયા. લોકોએ પોકાર કર્યા,
“‘હોસાન્ના!’
‘જે પ્રભુના નામે આવે છે, તેને ધન્ય છે!’(A)
ઈઝરાએલનો રાજા આવે છે તેને ધન્ય છે!”
14 ઈસુને એક ગધેડાનો વછેરો મળ્યો અને તેના પર તે બેઠો. શાસ્ત્રલેખ કહે છે તેવું આ હતુ:
16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.
17 ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું. 18 ઘણા લોકો ઈસુને મળવા બહાર ગયા, કારણ કે તેઓએ સાંભળ્યું કે ઈસુએ આ ચમત્કાર કર્યો. 19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International