Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:145-176

કોફ

145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
    મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
    એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
    અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
    મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
    હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
    મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
    અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
    કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.

રેશ

153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
    કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
    મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
    કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
    તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
    છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
    કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
    તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
    અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.

શીન

161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
    પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
    તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
    પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
    હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
    તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
    કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
    અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
    હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.

તાવ

169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
    અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
    અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
    કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
    કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
    મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
    તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
    તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
    કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

ગીતશાસ્ત્ર 128-130

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

મંદિર ચઢવા માટેનું ગીત.

ઇસ્રાએલને કહેવા દો,
    “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
    પણ તેઓ મને હરાવી ન શક્યા!
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
    હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
પરંતુ યહોવા તો ન્યાયી છે,
    દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
    અને હારીને ભાગી જાય.
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
    જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
જેથી કાપનાર પોતાનો હાથ
    અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
    “યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
    યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

મંદિરે ચઢવા માટેનું ગીત.

હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
    તમને મદદ માટે પોકાર કર્યો.
હે યહોવા, મારી હાકલ સાંભળ;
    અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
    તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
પરંતુ તમે લોકોને માફી આપો છો,
    તેથી તમે આદર પામશો.

તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
    મારો આત્મા તેમની રાહ જુએ છે,
    હું તેમના વચન પર આધાર રાખું છું.
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
    હું યહોવાની રાહ જોઉં છું.
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
    કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
    તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.

યર્મિયા 25:30-38

30 “તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે,
‘યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ
    તથા પૃથ્વી પર વસનારા સર્વની
વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે.
    રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે.
    યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે,
તે બધા માણસોનો ન્યાય કરે છે.
    તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’”
આ યહોવાના વચન છે.

32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે,
“જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં,
    એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે,
પૃથ્વીના દૂર દૂરને છેડેથી
    પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”

33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.

34 હે દુષ્ટ આગેવાનો!
    રડો, પોક મૂકીને રડો,
    હે લોકોના ઘેટાં પાળકો!
તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે.
    તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.
35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ,
    નાસી જવાને રસ્તો પણ નહિ મળે.
    હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.
36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે,
    ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે,
    કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.
37 તેમના ભયંકર રોષને કારણે
    તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે.
38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા
    સિંહની જેમ યહોવા બહાર આવે છે.
યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં,
    પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.

રોમનો 10:14-21

14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”(A)

16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”(B) 17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.

18 પરંતુ હું પૂછું છું, “શું લોકોએ એ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી જ હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ:

“આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો;
    આખા જગતમાં બધે જ તેઓનાં વચનો ફેલાયાં છે.” (C)

19 વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે:

“જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ.
    જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.” (D)

20 દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું:

“જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો;
    જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.” (E)

21 બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો. પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે,

“એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું,
    પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે.” (F)

યોહાન 10:1-18

ઘેટાંપાળક અને તેનાં ઘેટાં

10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”

ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.

ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક

તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.

11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.

14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International