Book of Common Prayer
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
દેવ ભયાવહ અને સન્માનનીય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
અને તમે તેને શરમાવ્યો છે.
46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!
52 યહોવાની સદાય સ્તુતિ કરો.
આમીન તથા આમીન!
10 “જ્યારે તું આ લોકોને આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી ઘોર આફતો આપણે માથે નાખવાનું શાથી નક્કી કર્યું છે? આપણો શો અપરાધ છે? આપણે આપણા દેવ યહોવાનો શો ગુનો કર્યો છે?’ 11 ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું. 12 અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા આચરો છો! તમારા હૃદયની ઇચ્છાઓ સંતોષાય ત્યાં સુધી તમે દુષ્ટતાની પાછળ જાઓ છો અને મને આધીન થવાનો ઇન્કાર કરો છો. 13 આથી હું તમને આ દેશમાંથી ઉખાડી; તમને અને તમારાં પિતૃઓને અજાણ્યા દેશમાં ફગાવી દેનાર છું. ત્યાં તમે રાતદિવસ વિદેશી દેવોને ભજ્યા કરજો. કારણ, હું તમારા પર દયા રાખવાનો નથી.’”
14 યહોવા કહે છે, “જુઓ, હવે એ સમય આવે છે જ્યારે લોકો સોગંદ લેતી વખતે ક્યારેય નહિ કહે કે જેવી રીતે ચોક્કસ પણે યહોવા જીવે છે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો. 15 પણ તેઓ કહેશે જેમ ચોક્કસ પણે યહોવા જીવીત છે તેમ ઇસ્રાએલીઓને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેઓને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાના સમ! કારણકે, મેં તેમના પૂર્વજોને ભૂમિ આપી હતી તેમાં જ હું તેમને પાછા લાવીશ.”
16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે. 17 કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી. 18 હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”
19 હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર,
મારું સાર્મથ્ય તથા મારો ગઢ,
સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે,
“અમારા વડીલો મૂર્ખ હતા,
કારણ કે તેઓએ જૂઠા દેવોની
તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.
20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે?
માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.”
21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે,
તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ
અને હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’
તેવું તેઓને સમજાવીશ.”
લગ્નનું દૃષ્ટાંત
7 ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. 2 હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. 3 પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
4 એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. 5 ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. 6 ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.
પાપની વિરૂદ્ધ આપણે સંઘર્ષ
7 ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.” 8 પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. 9 નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું. 10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. 11 મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો.
12 આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International