Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 95

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

ગીતશાસ્ત્ર 31

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
    મારી સાથે હમેંશા સારા રહેજો
    અને મને કૃપા આપતા રહેજો.
    હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
    મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
    મારો કિલ્લો બનો અને મને બચાવો.
દેવ મારા ખડક અને કિલ્લો છો,
    તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
    અને તે પર ચલાવો.
મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
    કારણ તમે મારો આશ્રય છો.
હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
    હે સત્યના દેવ યહોવા,
    તમે મારો ઉદ્ધાર કર્યો છે.
જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
    હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
    તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
    મારા આત્માની વ્યથા નિહાળી છે.
તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
    તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
    મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
    મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
    ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
    અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
    અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
    તેથી તેઓ મને અવગણે છે.
    જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
    હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
    તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.

14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
    મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
    મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
    અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
    કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
    અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
    અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.

19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
    તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
    અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
    અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
    તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
    જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
    વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.

23 હે યહોવાના સર્વ ભકતો,
    તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
    અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
    ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!

ગીતશાસ્ત્ર 35

દાઉદનું ગીત.

હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
    મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
    અને મારું રક્ષણ કરો.
ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
    મારા આત્માને ખાત્રીથી કહો કે,
    “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”

જેઓ મારા જીવના તરસ્યા છે
    તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
    તેઓ રઝળી પડો અને પાછા હઠો.
તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
    અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
    યહોવાનો દૂત તેમની પાછળ પડો.
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
    વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
    પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
    પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
પણ હું યહોવાથી આનંદિત થઇશ,
    અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
    “હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
    અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
    અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
    તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
    પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
    તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
    જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
    તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
    પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
    તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.

17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
    તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
    મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.

18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
    ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
    આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
    તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
    ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
    તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
    હવે તમે શાંત બેસી રહેશો નહિ;
    અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
    મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
    મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
    અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
    અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
    અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
    તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
    તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”

28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
    અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.

પુનર્નિયમ 7:12-16

12 “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે. 13 તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે.

14 “પૃથ્વી પરની બધી પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો, તમાંરા લોકોમાં તેમ જ તમાંરાં ઢોરમાં કોઈ નિ:સંતાન નહિ રહે. 15 યહોવા તમાંરી બધી બિમાંરીઓ લઈ લેશે, મિસરમાં જે ખરાબ રોગોનો તમને અનુભવ થયો હતો, તેમાંનો કોઈ એ તમને નહિ થવા દે, પણ તમાંરા દુશ્મનોને એ રોગોનો ભોગ બનાવશે. 16 યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.

તિતસ 2

શુદ્ધ ઉપદેશનું પાલન

શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ. વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.

વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ. એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ. જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે. જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન. અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ; 10 તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.

11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે. 12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ. 13 આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે. 14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

યોહાન 1:35-42

ઈસુનો પ્રથમ શિષ્ય

35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા. 36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”

37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા. 38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”

તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)

39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.

40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનો[a] ભાઈ હતો. 41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)

42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, “તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે.” (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International