Book of Common Prayer
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદનું સ્તુતિગાન.
1 યહોવા મારો ખડક છે,
તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
તે મારા લોકોને
મારે તાબે કરે છે.
યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
મને બહાર ખેચી કાઢો,
અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે,
તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
તે આપણને ખેડવા છોડ આપે છે,
અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
આપણી ત્વચાને નરમ કરવા તેલ
અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
રૂથ અને બોઆઝના વિવાહ
4 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”
2 ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા.
3 તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે. 4 મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું.”
5 બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”
6 ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.” 7 હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. 8 નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું.
9 પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે. 10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.”
11 શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે,
“અમે સાક્ષી છીએ;
યહોવા આ સ્ત્રીને રાહેલ
અને લેઆહ જેવી બનાવે,
જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું.
તું એફ્રાથાહમાં સુખી થા,
અને બેથલેહેમમાં નામાંકિત થા.
12 યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત
અને મહાન બનાવશે,
તારું કુટુંબ યહૂદા
અને તામાંરના પુત્ર પેરેસના[a] કુટુંબ જેવું (મહાન) બનો.”
13 તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો. 14 નગરની સ્રીઓ નાઓમીને કહેવા લાગી:
“આશીર્વાદિત દેવ પાસેથી આવું સંતાન[b] મેળવનાર તું નસીબદાર છે;
તે ઇસ્રાએલમાં પ્રખ્યાત થશે.
15 તે તને આનંદથી ફરી જીવંત બનાવશે,
વૃદ્ધાવસ્થામાં તે તારી સંભાળ રાખશે.
તે આમ એટલા માંટે કરશે કારણકે
તેની માંતા રૂથને તારા ઉપર પ્રેમ છે અને તારી સંભાળ રાખે છે.
તારા માંટે એ સાત પુત્રો કરતા
પણ વધુ સારી છે.”
16 નાઓમીએ તે બાળકને પોતાની ગોદમાં મૂક્યું અને તેની સંભાળ લીધી. 17 આડોસપાડોસની સ્રીઓએ કહ્યું, “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.
13 શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.”(A) અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ. 14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું. 15 આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.
વિશ્વાસથી જીવવું
16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે. 18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.
5 અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે. 2 પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે. 3 તે અમને વસ્ત્રો પહેરાવશે કે જેથી અમે નગ્ન ન રહીએ. 4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે. 5 આ માટે દેવે અમારું સર્જન કર્યુ છે. અને તે અમને નવજીવન આપશે. તેની ખાતરીરૂપે તેણે અમને આત્માનું પ્રદાન કર્યુ છે.
6 તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી. 8 તેથી અમને ભરોસો છે. અને ખરેખર અમે આ શરીરથી વિચ્છિત થઈને પ્રભુની પાસે વાસો કરવા ઈચ્છીએ છીએ. 9 અમારો ધ્યેય દેવને પ્રસન્ન કરવાનો છે. આપણે શરીરમાં હોઈએ કે દેવની સાથે હોઈએ, અમે તેને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ. 10 આપણે બધાએ ખ્રિસ્તની સામે ન્યાય માટે ઉપસ્થિત થવું જ પડશે. તેને જે મળવું જોઈએ તે દરેક વ્યક્તિને મળશે. જ્યારે તે તેના ભૌતિક શરીરમાં જીવતો હતો ત્યારે તેણે જે કઈ સારું ખરાબ કર્યુ હશે તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે.
ઈસુ દાન વિષે શિક્ષણ આપે છે
6 “સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.
2 “જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. 3 જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. 4 તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.
ઈસુ પ્રાર્થના વિષે શિક્ષણ આપે છે
(લૂ. 11:2-4)
5 “જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. 6 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.
7 “અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. 8 તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. 9 તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:
‘ઓ આકાશમાંના અમારા પિતા,
અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.
10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને
છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે,
તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ.
13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ;
પરંતુ શેતાનથી અમને બચાવ.’[a]
14 હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે. 15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.
ઈસુ ઉપવાસ વિષે શિક્ષણ આપે છે
16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International