Book of Common Prayer
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
તાવ
169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
બોઆઝ સાથે રૂથ
2 બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.
2 એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”
નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”
3 આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.
4 તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”
લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”
5 પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”
6 તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે. 7 આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”
8 બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે. 9 એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”
10 આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”
11 બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે. 12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”
13 રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”
23 હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી. 24 હું એમ કહેવા નથી માગતો કે અમે તમારા વિશ્વાસને અંકૂશ કરવા માગીએ છીએ. તમે તમારા વિશ્વાસમાં દઢ છો. પરંતુ તમારા સુખ-આનંદ માટેના અમે સહકાર્યકર છીએ.
2 તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય. 2 જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે. 3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે. 4 જ્યારે પહેલા મેં તમને લખ્યું હતું, ત્યારે મારા હૃદયમાં હું ઘણો જ વ્યથીત અને દુઃખી હતો. મેં ઘણાં અશ્રું સહિત લખ્યું હતું. મેં તમને દુઃખી કરવા નહોતું લખ્યું. તમે જાણી શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, તેથી મેં લખ્યું હતું.
અપકૃત્ય કરનાર વ્યક્તિને ક્ષમા આપો
5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે. 6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે. 7 પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે. 8 જેથી હું તમને વિનંતી કરું છું કે, તેને તમારો પ્રેમ દર્શાવો. 9 મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ. 10 જો તમે એક વ્યક્તિને માફ કરશો, તો હું પણ તે વ્યક્તિને માફ કરીશ. અને મેં જે માફ કર્યુ છે-જો મારે કાંઈ માફ કરવા જેવું હશે-તો તે તમારા માટે, અને મારામાં રહેતા ખ્રિસ્તની સમક્ષ મેં માફ કર્યુ છે. 11 મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.
ખ્રિસ્ત થકી વિજય
12 ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી. 13 પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો.
14 પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે. 15 જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ. 16 જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે? 17 જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.
ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે
21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,(A) જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International