Book of Common Prayer
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
7 “પ્રસવવેદના થતાં પહેલાં બાળકને જન્મ આપનારી સ્ત્રી જેવી આ મારી પવિત્ર નગરી છે. 8 આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.”
9 યહોવા તમારા દેવ પૂછે છે કે, “પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.”
10 યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો,
હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;
11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને
બાળક જેમ ધરપત અનુભવે છે
તેમ તમે એની ભરી ભરી
સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”
12 યહોવા કહે છે,
“હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ
અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ.
તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો,
ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.
13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે,
તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ;
અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”
14 તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે;
તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે.
યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે,
અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે,
તે સર્વ પ્રજાઓ જોઇ શકશે.
4 જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે. 5 તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી. 6 તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.
7 વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ. 8 શેતાન આરંભકાળથી જ પાપ કરે છે જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શેતાનનો છે. દેવનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.
9 જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલું રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે અને તે પાપ કરી શકતો નથી. કારણ કે તે દેવથી જન્મેલો છે. 10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International