Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 105

યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
    તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
    તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
    યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
    સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
    અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
    અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
તેઓ આપણા દેવ યહોવા છે;
    તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
    અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
    અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
    અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
    અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં
    તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13 તેઓ એક દેશથી બીજે દેશ
    અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ;
    દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી;
    મારા અભિષિકતોને રંજાડશો નહિ;
    અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
    અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
    અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
    અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
    ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
    અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
    તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
    આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
    અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
    અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
    અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
    અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા;
    ભયાવહ ચમત્કાર કરવા.
28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો,
    છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું;
    અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં;
    તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31 યહોવાએ આદેશ આપ્યો,
    અને જૂઓ મિસરમાં
    એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા;
    અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો.
    અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા
    તથા તીડો આવ્યા.
35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં;
    અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
    દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
    સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
    અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
    કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
    અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
    અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
    જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
    પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
    ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
    અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
    અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;

હાલેલૂયા!

યશાયા 65:1-12

ધર્મદ્રોહીની સજા

65 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

“એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માર્ગે ચાલે છે, સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે, તેમ છતાં તેઓ એકબીજાને કહે છે, ‘મારી વધારે નજીક ન આવશો, નહિ. તો હું તમને પવિત્ર બનાવી દઇશ!’ તેઓ મને ગૂંગળાવે છે; તેઓ મને સતત ક્રોધિત કરે છે.”

ઇસ્રાએલને સજા મળવી જોઇએ

“જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ. હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”

યહોવા કહે છે, “જેમ ઝૂમખામા નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો માં, કારણ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તે સર્વ લોકોનો નાશ ન થાય. હું યાકૂબના વંશજો અને યહૂદાના લોકોને આશીર્વાદ આપીશ અને તેમને મારા આ પર્વતીય પ્રદેશના વારસો બનાવીશ. મારા પસંદ કરેલા લોકો, મારા સેવકો ત્યાં વાસો કરશે. 10 જેઓએ મારી શોધ કરી છે તેવા મારા લોકોને માટે શારોનના મેદાનોને ફરીથી ઘેટાં-બકરાં અને ઢોર-ઢાંખરથી ભરી દેવામાં આવશે અને આખોરની ખીણ તેઓનું ગોચર બની રહેશે.

11 “પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો; 12 તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”

1 તિમોથી 4

જૂઠા ઉપદેશકો વિષે ચેતવણી

પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.

ખ્રિસ્ત ઈસુના એક સારા સેવક બનો

આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.

11 આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે. 12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.

13 લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે. 14 તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા[a] તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ. 15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે. 16 તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.

માર્ક 12:13-27

યહૂદિ આગેવાનોનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

(માથ. 22:15-22; લૂ. 20:20-26)

13 પાછળથી, યહૂદિ આગેવાનોએ કેટલાક ફરોશીઓને અને હેરોદીઓના નામે જાણીતા સમુહમાંથી કેટલાક માણસોએ ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને કઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. 14 ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?”

15 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો ખરેખર તેને પરીક્ષણનો પ્રયત્ન કરતા હતા. ઈસુએ કહ્યું, “તમે શા માટે મને કઈક ખોટું કહેતા પકડવાનો પ્રયત્ન કરો છો? મને એક ચાંદીનો સિક્કો લાવી આપો. મને તે જોવા દો.” 16 તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો અને ઈસુએ પૂછયું, “સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ લખેલું છે?” તેઓએ જવાબ આપ્યો, “તે કૈસરનું ચિત્ર છે અને કૈસરનું નામ છે.”

17 પછી ઈસુએ તેઓને કહ્યું, “કૈસરની જે વસ્તુઓ છે તે કૈસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.” ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઇ પામ્યા.

કેટલાક સદૂકીઓનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

(માથ. 22:23-33; લૂ. 20:27-40)

18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો. 19 તેઓએ કહ્યું, “ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે. 20 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા. 21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની. 22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 23 પણ બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જ્યારે પુનરુંત્થાનનો સમય થશે ત્યારે, આ સ્ત્રી કોની પત્ની થશે?”

24 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે આ ભૂલ શા માટે કરી? શાસ્ત્ર શું કહે છે તે તમે નથી જાણતા કારણ કે તમે દેવના સાર્મથ્ય વિષે નથી જાણતા. 25 જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે. 26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’ 27 જો દેવે કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો દેવ છે, તમે સદૂકીઓ ખોટા છો!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International