Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.
1 યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
2 તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.
4 દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
ને ચિર નિંદ્રાવશ થયા છે;
અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
6 હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
7 દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
9 હે દેવ, તમે ન્યાય કરવા માટે
તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
3 “પરંતુ તમે જાદુગરના પુત્રો,
વ્યભિચારી અને વારાંગનાના સંતાનો!
અહીં પાસે આવો.
4 તમે કોની મશ્કરી કરો છો?
તમે કોની સમક્ષ મોં પહોળું કરી,
જીભ કાઢી ચાળા પાડો છો?
શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી?
5 તમે એકેએક દેવદાર વૃક્ષ
નીચે વિષયભોગ કરો છો,
ખાડીમાં અને ખડકોની ફાટોમાં
બાળકોનો ભોગ આપો છો.
6 ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે,
તમે તેને જ લાયક છો,
તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો.
યહોવા કહે છે કે, શું આ બધાને હું નજર અંદાજ કરીશ?
7 તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો
અને વિજાતિય વ્યવહાર કરો છો.
8 તમારા ઘરના મુખ્ય બારણા
અને બારસાખ પાછળ
તમે તમારી મૂર્તિઓ ગોઠવી છે.
તમે મારો ત્યાગ કર્યો છે.
હે મારી પ્રજા, તું તો વારાંગના જેવી છે!
મને છોડીને તારી પહોળી પથારી પર નવસ્ત્રી થઇને સૂતી છે,
અને તું મનપસંદ માણસો સાથે સોદા કરી
તારી કામવાસના સંતોષે છે.
9 તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ
દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે.
સંદેશવાહકોને દૂર દૂરના
શેઓલમાં મોકલે છે.
10 લાંબી યાત્રાથી તું થાકી જાય છે;
પણ તું અટકતી નથી.
તેં તારી ઇચ્છાઓને બળવત્તર કરી
અને તારી શોધમાં તું આગળ વધતી ગઇ.
11 તું કોનાથી આટલી બધી ગભરાય છે?
કે તું અસત્ય બોલી?
તું મને કેવી રીતે ભૂલી ગઇ
અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ?
શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે
તું મારો ડર રાખતી નથી?
12 પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો
અને ‘ન્યાયીપણું’ જાહેર કરીશ;
એ બંનેમાંથી એક
પણ તારો બચાવ કરી નહિ શકે.
13 તું તારા બચાવ માટે ધા નાખીશ
ત્યારે આ તારી ભેગી કરેલી મૂર્તિઓ
તારી મદદે આવવાનાં નથી.
પવન તેમને તાણી જશે,
અરે એક ફૂંક પણ તેમને ઉડાડી મૂકશે,
પણ જે મારું શરણું સ્વીકારશે,
તે ધરતીનો ધણી થશે
અને મારા પવિત્ર પર્વતનો માલિક બનશે.”
25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. 26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.
એકબીજાને મદદરૂપ બનો
6 ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો. 2 તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો. 3 જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે. 4 કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે. 5 દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.
જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે
6 જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.
7 ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. 8 જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે. 9 સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઈસુનું બિમાર છોકરાને સાજા કરવું
(માથ. 17:14-20; લૂ. 9:37-43)
14 પછી ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુબાજુ જોયા. શાસ્ત્રીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા. 15 જ્યારે લોકોએ ઈસુને જોયો, તેઓ વધારે અચરજ પામ્યા. તેઓ તેને આવકારવા તેની પાસે દોડી ગયા.
16 ઈસુએ પૂછયું, “તમે શાસ્ત્રીઓ સાથે શાના વિષે દલીલો કરો છો?”
17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, “ઉપદેશક, હું મારા પુત્રને તારી પાસે લાવ્યો છું. મારા પુત્રમાં શેતાનનો આત્મા તેની અંદર છે. આ અશુદ્ધ આત્મા મારા પુત્રને વાતો કરતા અટકાવે છે. 18 અશુદ્ધ આત્મા મારા પુત્ર પર હુમલો કરે છે અને તેને જમીન પર ફેંકે છે. મારો પુત્ર તેના મુખમાંથી ફીણ કાઢે છે. તેના દાંત કચકચાવે છે. અને તે તવાતો જાય છે. મેં તારા શિષ્યોને અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહિ.”
19 ઈસુએ કહ્યું, “તમે લોકો વિશ્વાસ કરતા નથી! ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો!”
20 તેથી શિષ્યો તે છોકરાને ઈસુ પાસે લાવ્યા. જ્યારે દુષ્ટ આત્માએ ઈસુને જોયો, તે અશુદ્ધ આત્માએ છોકરા પર હુમલો કર્યો. તે છોકરો નીચે પડ્યો અને જમીન પર આળોટતો હતો. તેના મુખમાંથી ફીણ નીકળતું હતું.
21 ઈસુએ છોકરાના પિતાને કહ્યું, “કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?”
પિતાએ જવાબ આપ્યો, “તે ઘણો નાનો હતો ત્યારથી. 22 તે અશુદ્ધ આત્માએ તેને ઘણી વખત મારી નાખવા માટે અગ્નિમાં તથા પાણીમાં નાખ્યો હતો. જો તું તેને માટે કશું કરી શકે તો કૃપા કરીને અમારા પર દયા કરી અને અમને મદદ કર.”
23 ઈસુએ પિતાને કહ્યું, “તેં કહ્યું કે, ‘શક્ય હોય તો મદદ કર.’ જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.”
24 પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કહ્યું, “હું જરુંર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનાવામાં મદદ કર!”
25 ઈસુએ જોયું કે બધા જે લોકો ત્યા શું બની રહ્યું છે તે જોવા માટે દોડતા હતા તેથી ઈસુએ અશુદ્ધ આત્માને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તું આ છોકરાને બહેરો બનાવે છે અને તેને વાત કરતાં અટકાવે છે-હું તને આ છોકરામાંથી બહાર આવવાને અને કદાપિ તેનામાં નહિ પ્રવેશવા હુકમ કરું છું!”
26 તે અશુદ્ધ આત્માએ ચીસ પાડી. તે આત્માએ તે છોકરાને ફરીથી જમીન પર પાડ્યો. અને પછી તે અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો. તે છોકરો મરી ગયો હતો એવું દેખાયું. ઘણાં લોકોએ કહ્યું, “તે મૃત્યુ પામ્યો છે!” 27 પરંતુ ઈસુએ તે છોકરાનો હાથ પકડ્યો અને તેને ઊભો થવામાં મદદ કરી.
28 ઈસુ ઘરમાં ગયો. ત્યાં તેની સાથે તેના શિષ્યો એકલા હતા. તેઓએ તેને પૂછયું “અમે શા માટે અશુદ્ધ આત્માને બહાર કાઢી શક્યા નહિ?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “આ પ્રકારના આત્માને ફક્ત પ્રાર્થનાના ઉપયોગ દ્ધારા જ બહાર કાઢી શકાય છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International