Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
અને મારા પગલા સ્થિર કર્યા.
3 તેમણે આપણા દેવનું સ્તોત્ર,
મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
અને યહોવા પર ભરોસો રાખશે.
4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.
1 હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
મારા મોઢાંની વાતો કાને ઘરો.
3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.
4 યહોવા દેવ, મને સહાય કરનાર છો,
મારા જીવનનો એજ આધાર છે.
5 યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
6 હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
યહોવાનો આજ્ઞાધીન સેવક
50 યહોવા પૂછે છે,
“શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે?
તેને લીધે શું તમે અહીં આવ્યા નથી?
મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે?
ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા
અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને
પણ કાઢી મૂકવામાં આવીં હતી.
2 હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો,
ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ?
મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો?
શું તમને એમ લાગ્યું કે,
મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી!
શું મારામાં તમને બચાવવાની શકિત નથી?
જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે,
અને ઝરણા રણ બની જાય છે.
તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે
અને તરસે મરી જાય છે.
3 આકાશ જાણે શોક પાળતું હોય તેમ,
હું તેને અંધકારથી આચ્છાદિત કરુ છું.”
દેવના સેવક દેવના ભરોસે
4 યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે. 5 યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા. 6 મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી. 7 પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.
8 મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો! 9 જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!
10 તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.
11 “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”
નિયમ અને વચન
15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી. 16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.) 17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો. 430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
18 દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
19 તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થ[a] તરીકે ઉપયોગ કર્યો હતો. 20 પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
મૂસાના નિયમને હેતુ
21 શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. 22 પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
47 તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો. 48 ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી છ કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ. 49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા. 50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, “હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,” 51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. 52 તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો. પણ તેઓ સમજી શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.
ઈસુએ માંદા માણસોને સાજા કર્યા
(માથ. 14:34-36)
53 ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી. 54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો. 55 આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા. 56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International