Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 16-17

દાઉદનું મિખ્તામ.

હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
મે યહોવાને કહ્યુ છે,
    “તમે મારા માલિક છો.
    મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
    “એવાં સ્રી પુરુષના સંગમાંજ
    મને આનંદ મળે છે.”

જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
    હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
    હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
    હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
    વારસાનો ભાગ મને મળ્યો છે.
મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
    રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.

મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
    તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
    ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
    અને મારો આત્મા પણ ખુશ છે;
    તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
    શેઓલને સોંપશો નહિ.
    તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
    તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
    તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
    મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
    જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
    તમે સત્યને જોઇ શકો છો.
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
    તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
    હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
    ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
    અને મારો પગ કદી લપસ્યો નથી.
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
    અને તેનો જવાબ આપો.
ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
    શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
    તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
    અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
    તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
    તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
    અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
    તેઓને પાડી નાખી પરાજીત કરી દો
    અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
    આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
    હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
    પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
    હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

ગીતશાસ્ત્ર 22

નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
    મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
    શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
    પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

દેવ, તમે પવિત્ર છો.
    તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
    અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
    તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
    સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
    અને મને તુચ્છ ગણે છે.
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
    અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
    “તે જરૂર તને ઉગારશે કારણ
    તે તને ખૂબ પસંદ કરે છે.”

હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
    તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
    ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
    મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
    અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
    બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
    તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.

14 જેમ પાણી વહી જાય તેમ,
    મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
    તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
    મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
    અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
    અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
    અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
    આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
    તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
    અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.

19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
    હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
    મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
    તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]

22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
    હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
    તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
    હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
    ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
    તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.

25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
    સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
    તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
    અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
    ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
    અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
    અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
    પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
    અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
    અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

યશાયા 42:1-17

યહોવાનો સેવક

42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
    જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
    જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
    અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
    અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
    બૂમરાણ મચાવશે નહિ.
તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
    કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
    તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
તે નબળો નહિ પડે કે હારશે નહિ,
    જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
    અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”

યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે

જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

“હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
    હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
    લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
    અને અંધકારમાં સબડતાં કેદીઓને
    કારાગારમાંથી બહાર કાઢવાના છે.

“હું યહોવા છું,
    એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
    દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
    મૂર્તિઓને નહિ લેવા દઉં.
મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
    અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
    હું તે તમને જણાવું છું.”

દેવની સ્તુતિ

10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ:
    સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો!
હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો,
    હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ,
    તેની સ્તુતિ ગાઓ!
11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ
    અને સેલાના રહેવાસીઓ,
આનંદથી પોકારી ઊઠો!
    પર્વતો પરથી હર્ષનાદ કરો!
12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો.
    સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે;
    તે ગર્જના કરે છે,
યુદ્ધનાદ જગાવે છે
    અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.

દેવ સહનશીલતા રાખે છે

14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,
    મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું,
હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ;
    હું ઊંડા શ્વાસ લઇશ.
15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,
    તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ;
હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ
    અને તળાવોને સૂકવી નાખીશ.
16 પછી હું આંધળાઓને દોરીશ,
    એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી.
તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ.
    અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ.
આ બધું હું કરીશ.
    અને કશું બાકી નહિ રાખું.
17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે
    અને તેઓને દેવ તરીકે માને છે,
તેઓ મોટી નિરાશામાં આવી પડશે.
    તેઓને હાંકી કાઢવામાં આવશે.”

એફેસીઓ 3:1-13

વિદેશીઓ પ્રતિ પાઉલની સેવા

હું પાઉલ તમારા માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું તમે લોકો કે જે યહૂદી નથી તેમનો પણ હું બંદીવાન છું. તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે. દેવે તેની ગૂઢ યોજના મને જાણવા દીધી. મને તેના દર્શન કરાવ્યા જે વિષે મેં પહેલા પણ થોડું લખ્યું છે. અને મેં પહેલા જે લખ્યું હતું, તે જો તમે વાંચશો તો તમને સમજાશે કે દેવના ગૂઢ સત્યને હું ખરેખર જાણું છું. લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં. ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે.

દેવના કૃપાદાનથી, આ સુવાર્તાને કહેવા હું સેવક બન્યો હતો. દેવનું સાર્મથ્ય જે મારામાં કામ કરે છે તેનાથી મને આ કૃપા પ્રાપ્ત થઈ છે. દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે. જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે. 10 જે જુદી જુદી પદ્ધતિથી દેવ તેની પ્રજ્ઞાના દર્શન કરાવે છે તે સ્વર્ગના દરેક શાસક અને શક્તિઓને બતાવવા ઈચ્છતો હતો. મંડળી[a] ને લીધે તેઓ આ જ્ઞાન જાણશે. 11 અને સમયની શરૂઆતથી દેવની જે યોજના હતી તેને આ અનુકુળ છે. દેવે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ થકી પોતાની યોજના પ્રમાણે આ કામ કર્યુ. 12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ. 13 તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.

માર્ક 2:13-22

લેવીને ઈસુનું તેડું

(માથ. 9:9-13; લૂ. 5:27-32)

13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. 14 ઈસુ સરોવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અલ્ફીના દીકરા લેવીને જોયો. લેવી જકાતનાકા પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ,” પછી લેવી ઉભો થયો અને ઈસુની પાછળ ગયો.

15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. 16 શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, “શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?”

17 ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”

ઈસુનો અન્ય ધાર્મિક આગેવાનો તરફનો અણગમો

(માથ. 9:14-17; લૂ. 5:33-39)

18 યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, “યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?”

19 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી. 20 પણ જ્યારે સમય આવશે ત્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરરાજા તેઓને છોડીને જાય છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.”

21 “જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. 22 અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International