Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 146-147

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર 111-113

યહોવાની સ્તુતિ કરો!

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
    હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
યહોવાના કાર્યો મહાન છે;
    લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
    અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
    યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
    અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
    અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
    તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
    તેઓ સદાને માટે અચળ છે.
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
    તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
    જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
    તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

યહોવાની સ્તુતિ થાઓ!

જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
    અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
    અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
    અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
    તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
    વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
તે વ્યકિત કદી પડશે નહિ
    તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
તે ખરાબ સમાચારથી ડરતો નથી;
    અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
    તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
    અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
    અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
    તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
    અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

યહોવાની સ્તુતિ કરો!

હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવાનું નામ આ સમયથી
    તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
    અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
આપણા દેવ યહોવા જેવો છે કોણ?
    જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
    પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
    અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
    રાજકુમારોની મધ્યે.
તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
    અને સુખી થશે માતા!

યહોવાની સ્તુતિ થાઓ.

યશાયા 40:1-11

દિલાસાના શબ્દો

40 તમારા દેવની આ વાણી છે:
    “દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,
    તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,
    તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની
    બમણી સજા મેળવી છે.”
કોઇનો સાદ સંભળાય છે:
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;
    આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો
    અને ડુંગરોને સપાટ બનાવી દો.
ખરબચડી જમીનને સરખી બનાવી દો.
    અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
પછી યહોવાનો મહિમા પ્રગટ થશે
    અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.
આ યહોવાના મુખના વચન છે.”

એક અવાજ કહે છે, “સાદ પાડ.”
    હું પૂછું છું, “શો સાદ પાડું?”
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,
    ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે
    અને ફૂલો કરમાઇ જાય છે;
    નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,
    પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”

તારણ: દેવના શુભ સમાચાર

હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!
    તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,
    તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,
યહૂદીયાના નગરોને કહો,
    “આ તમારા દેવ છે!”
10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,
    તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,
    અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;
    તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે
    અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.

હિબ્રૂઓ 1:1-12

દેવનું પુત્ર દ્ધારા બોલવું

ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.

દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:

“તું મારો પુત્ર છે;
    અને આજથી હું તારો પિતા બનું છું.” (A)

દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,

“હું તેનો પિતા હોઇશ,
    અને તે મારો પુત્ર હશે.” (B)

જ્યારે પ્રથમજનિત[a] ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે,

“દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.” (C)

વળી દૂતો સંબંધી દેવ કહે છે કે:

“દેવ પોતાના દૂતોને વાયુ[b] જેવા બનાવે છે,
    અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” (D)

પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે:

“ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે.
    તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે.
તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે.
    તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે.
    અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” (E)

10 દેવ એમ પણ કહે છે કે,

“હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ.
    અને આકાશ તારા હાથની કૃતિ છે.
11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે.
    પણ તું કાયમ રહે છે.
12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે.
    અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે.
પરંતુ તું બદલાશે નહિ,
    તું સદાકાળ એવોને એવો જ રહેશે.” (F)

યોહાન 1:1-7

ખ્રિસ્ત જગતમાં આવે છે

જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.

ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.

યોહાન 1:19-20

યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું

(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)

19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.

યોહાન 1:29-34

ઈસુ દેવનું હલવાન

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે! 30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’ 31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”

32-34 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’ યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો. તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International