Book of Common Prayer
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.
1 તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
2 યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
3 હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
4 જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
5 વળી સિયોન વિષે કહેવાશે કે:
“આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
6 યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
7 વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
“મારું સર્વસ્વ તારામાં છે.”
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
દેવ ભયાવહ અને સન્માનનીય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
તેના શાસનનો અંત આવશે નહિ.
સળગતી ઝાડી
3 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. 2 ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં.
તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી. 3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”
4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”
અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”
5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે. 6 હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”
અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો.
7 પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે. 8 હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. 9 મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે. 10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”
11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”
12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો.”
23 વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ.
24-25 વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું. 26 ઈજીપ્ત દેશની સંપતિના ધણી બનવા કરતાં તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યુ, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ રાખ્યું.
27 વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય. 28 મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂત[a] ઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો.
29 વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા.
30 લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો.
31 રાહાબ વેશ્યાએ ઇસ્ત્રાએલી જાસૂસ લોકોને આવકાર્યા અને મિત્રની માફક મદદ કરી. કારણ કે તેને વિશ્વાસ હતો એટલે તે અવજ્ઞા કરનાર લોકો સાથે મરણ પામી નહોતી.
6 ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે. 7 જો તમે મને ખરેખર ઓળખતા હોત, તો પછી તમે મારા પિતાને પણ જાણશો. હવેથી તમે એને જાણશો. તમે તેને જોયો છે.”
8 ફિલિપે ઈસુને કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવ. અમારે જે બધું જોઈએ છે તે એ છે.”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ? 10 શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી. પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે. 11 મારામાં વિશ્વાસ કરો જ્યારે હું કહું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. અથવા કામોને લીધે જ મારામાં વિશ્વાસ કરો.”
12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું. 13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ. પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે. 14 જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International