Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 97-98

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

સ્તુતિગીત.

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
    કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
    પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
    તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
    બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
    આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
    આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
    સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
    ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
    આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
    યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
    તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

નીતિવચનો 8:22-30

22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં,
    લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ
    મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા
    ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં,
    ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં.
    અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું,
    અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ;
    અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી
    અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી.
અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી;
    અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી;
    અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.

યોહાન 13:20-35

20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”

ઈસુ કહે છે કોણ તેની વિરૂદ્ધ થશે

(માથ. 26:20-25; માર્ક 14:17-21; લૂ. 22:21-23)

21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”

22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ. 23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો. 24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.

25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”

26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો. 27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!” 28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું. 29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.

30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.

ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે

31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે. 32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.”

33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.

34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

1 યોહાન 5:1-12

દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે

ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?

દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે

જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે. તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે: કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.

તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે. 10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી. 11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે. 12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International