Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 148

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 150

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

યશાયા 33:17-22

17 તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18 ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19 કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે.

દેવ યરૂશાલેમને બચાવશે

20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21 ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22 કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે.

પ્રકટીકરણ 22:6-11

તે દૂતે મને કહ્યું, “આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે. તેણે તેના દૂતને જે થોડી વારમાં થવાનું જ છે તે તેના સેવકોને બતાવવાં મોકલ્યો છે. ‘ધ્યાનથી સાભંળો! હું જલદીથી આવું છું. જે વ્યક્તિ પ્રબોધના વચનોને પાળે છે તેને ધન્ય છે.’”

હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મને વંદન કર નહિ, હું તો તારા દેવો છું અને તારો તથા જે પ્રબોધકો તારા ભાઇઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી સેવક છું. તું દેવની આરાધના કર!”

10 પછી તે દૂતે મને કહ્યું, “આ પુસ્તકના ભવિષ્ય કથનના વચનોને ગુપ્ત રાખીશ નહિ. આ વાતો થવાનો સમય નજીક છે. 11 જે વ્યક્તિ અન્યાયી છે તેને અન્યાય કરવાનું ચલુ રાખવા દો. જે વ્યક્તિ મલિન છે તેને મલિન થવાનું ચાલુ રાખવા દો. જે વ્યક્તિ સાંચુ કામ કરે છે તે સાંચુ કામ કરવાનું ચાલુ રાખે. જે વ્યક્તિ પવિત્ર છે તે હજુ પવિત્ર થવાનું ચાલુ રાખે.”

પ્રકટીકરણ 22:18-20

18 જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે. 19 અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી, અને પવિત્ર નગરમાંથી, એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે, તેમાંથી કાઢી નાખશે.

20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.”

આમીન! હે પ્રભુ ઈસુ, આવ!

લૂક 1:57-66

યોહાનનો જન્મ

57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.

59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”

61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”

63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International