Book of Common Prayer
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
10 તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.
11 તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે; 12 પ્રજાઓની સમક્ષ “ધ્વજા” ફરકાવીને, તે પૃથ્વીના ચારે ખૂણેથી ઇસ્રાએલ અને યહૂદાના વેરવિખેર થઇ ગયેલા લોકોને ભેગા કરશે.
13 ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે. 14 તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.
15 યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય. 16 યહોવાના લોકો ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો જ માર્ગ એ લોકોના જેઓ આશ્શૂરમાં બાકી રહેલા હશે તેમને માટે પણ નિર્માણ થશે.
પૃથ્વીના લોકોનો ન્યાય
11 પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા. 12 અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે.
13 સમુદ્ર તેનામાં જે મૃત્યુ પામેલા લોકો હતા. તેઓને પણ પાછા આપી દીધા અને મૃત્યુ તથા હાદેસે પણ પોતાનામાં રહેલા મૃત લોકોને પણ પાછા આપ્યાં. પ્રત્યેક વ્યકિતનો તેઓએ કરેલા કૃત્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 14 અને મૃત્યુ અને હાદેસને અગ્નિના સરોવરમાં નાખવામાં આવ્યાં. આ અગ્નિનું સરોવર એ બીજું મરણ છે. 15 અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. 7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. 8 પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”
ઝખાર્યા અને એલિસાબેત
5 યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅ[a] માનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી. 6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા. 7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
8 તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો. 9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો. 10 તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
11 તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો. 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો. 13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે. 14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે. 15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
16 “યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે. 17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
19 દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને આ શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે. 20 તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
21 બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો. 22 જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો. 23 જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.
24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું: 25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International