Book of Common Prayer
નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
અને મારી અરજી પર ધ્યાન આપો.
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
તેથી તે પર તમે મને લઇ જજો.
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
મને મારા શત્રુઓથી બચાવે છે!
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
2 હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
3 જે વ્યકિત નમી ગયેલી ભીંત
કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
ક્યાં સુધી આક્રમણ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
અને મુખેથી આશીર્વાદ આપે છે,
પરંતુ હૃદયથી શાપ આપે છે.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
શાંતિના રાજ્યનું નિર્માણ
11 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે. 2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. 3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. 5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે. 7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. 8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
1,000 વર્ષો
20 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. 2 તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો. 3 તે દૂતે તે અજગરને અસીમ ઊંડાણમાં નાખ્યો અને તેને બંધ કર્યું. તે દૂતે તાળું મારી તેના પર મહોર મારી. તે દૂતે આ કર્યું, જેથી તે સાપ 1,000 વર્ષ પૂરા થતાં સુધી પૃથ્વીના લોકોને ફરીથી ભ્રમિત કરી શકે નહિ. (1,000 વર્ષ પછી તે અજગરને થોડાક સમય માટે મુક્ત કરાશે.)
4 પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું. 5 (બીજા મરેલા લોકો 1,000 વર્ષ પૂરાં થતાં સુંધી ફરીથી સજીવન થયા નહિ.)
આ પ્રથમ પુનરુંત્થાન છે. 6 એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે.
શેતાનની હાર
7 જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે. 8 પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે.
9 શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો. 10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International