Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 40

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
    તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
    તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
    અને મારા પગલા સ્થિર કર્યા.
તેમણે આપણા દેવનું સ્તોત્ર,
    મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
    અને યહોવા પર ભરોસો રાખશે.
જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
    તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
    તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
    હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
    તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
    તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
    ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
    તમારો નિયમ મારા હૃદયમાં છે.”
એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
    હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
    મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
    અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
    તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.

12 કારણ, મારા માથે સમસ્યાઓનો
    ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
    હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
    મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
    હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
    તેઓ ફજેત થાઓ
    અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
    તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
    તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
    ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”

17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
    હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
    માટે હવે વિલંબ ન કરશો.

ગીતશાસ્ત્ર 54

નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.

હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
    અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
    મારા મોઢાંની વાતો કાને ઘરો.
વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
    મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.

યહોવા દેવ, મને સહાય કરનાર છો,
    મારા જીવનનો એજ આધાર છે.
યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
    હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
    હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
    મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.

ગીતશાસ્ત્ર 51

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
    અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
    અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
    દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.

યશાયા 10:5-19

આશ્શૂરની શકિત પર દેવનું નિયંત્રણ

પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે! હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.

“તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે. તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી? કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે. 10 મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે. 11 તો જે રીતે સમરૂન અને ત્યાંના દેવોના જેવા હાલહવાલ કર્યા છે, તેવા હાલહવાલ શું હું યરૂશાલેમનાં અને ત્યાંની મૂર્તિઓના નહિ કરું?’”

12 પણ સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં પોતાનું કામ પતાવ્યા પછી યહોવા આશ્શૂરના રાજાને તેની ઉદ્ધત બડાશો માટે અને તેના તુમાખીભર્યા અભિમાન માટે સજા કરશે.

13 આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટ્રોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે. 14 રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી કર્યુ.”

15 શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે! 16 તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે. 17 ઇસ્રાએલના દીવારૂપ પવિત્ર દેવ જ અગ્નિની પ્રચંડ જવાળા બની જશે. અને તે એક દિવસમાં પેલા કાંટાઝાંખરાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. 18 તેના વન ઉપવનના વૈભવને, કોઇ માંદા માણસને તેનો રોગ સમાપ્ત કરી નાખે તેમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખશે. 19 તેના વનમાં બાકી રહેલા ઝાડ એટલાં ઓછાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.

2 પિતર 2:17-22

17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.

20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત. 22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”(A) અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”

માથ્થી 11:2-15

યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”

ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”

યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:

‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ (A)

11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International