Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 63

દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
    જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
    ને દેહ તલપે છે.
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
    પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
    તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
    ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
    અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
    આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે મને સહાય કરી છે,
    અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
    તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
    તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
    અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
    તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.

ગીતશાસ્ત્ર 98

સ્તુતિગીત.

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
    કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
    પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
    તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
    બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
    આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
    આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
    સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
    ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
    આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
    યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
    તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

ગીતશાસ્ત્ર 103

દાઉદનું ગીત.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
    ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
    અને તારાં સર્વ રોગ મટાડે છે.
અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
    અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
    જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
જેઓ જુલમથી હેરાન થયેલા છે,
    તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
    અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
    તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
    પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
    અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
    તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
    તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
    એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
    તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
    માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
    અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
    અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
    અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
    અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
    અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
    અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
    તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
    જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
    તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
    હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!

યશાયા 13:6-13

આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે. બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે. તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.

બાબિલ વિરુદ્ધ દેવનો ન્યાય

જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે; 10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.

11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ. 12 જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે. 13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”

હિબ્રૂઓ 12:18-29

18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(A) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(B)

22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.

25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.

28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.

યોહાન 3:22-30

ઈસુ અને યોહાન બાપ્તિસ્મ

22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)

25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”

27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International