Book of Common Prayer
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દાલેથ
25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
હે
33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
એટલે હું તમારા નિયમ પાળીશ;
હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
યશાયાને સેવાની સોંપણી
6 રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વર્ષે મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું. 2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં. 3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!” 4 તેમના પોકારોથી બારસાખ પાયા સુધી હચમચી ઊઠી અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું.
5 ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”
6 પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો. 7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.”
8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?”
એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”
9 ત્યારે યહોવાએ કહ્યું, “જા, ને આ લોકોને કહે કે, ‘સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.’ 10 એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.”
11 પછી મેં પૂછયું, “તે ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, હે માલિક?”
તેણે કહ્યું, “શહેરો ખંડેર અને વેરાન બની જાય અને ઘરો માનવ વસ્તી વગરનાં બની જાય. અને ધરતી વેરાન અને ઉજ્જડ બની જાય ત્યાં સુધી.”
12 હું એ લોકોને દૂર દૂર મોકલી દઉં અને આખો દેશ વિશાળ વેરાનવગડો બની જાય ત્યાં સુધી. 13 તે છતાં જો તેનો દશમો ભાગ પણ બચી જાય, તો તેને ફરીથી બાળી નાખવામાં આવશે. જ્યારે મોટું ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યારે ઠૂંઠા બાકી બચે છે. ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે ઠૂંઠા જેવા હશે.
1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો.
તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
2 દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
3 અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે. 4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
દેવના ન્યાય વિષે પાઉલ કહે છે
5 એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે. 6 દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે. 7 અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે. 8 તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે. 9 તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે. 10 જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો[a] સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો. 12 અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી
[53 [a] બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.
8 ઈસુ જૈતૂનના પહાડ પર ગયો 2 વહેલી સવારમાં ઈસુ મંદિરમાં પાછો આવ્યો. બધા લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ ત્યાં બેસીને લોકોને બોધ કર્યો.
3 શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક સ્ત્રીને ત્યાં લાવ્યા. તે સ્ત્રી વ્યભિચારનું પાપ કરતાં પકાડાઈ હતી. આ યહૂદિઓએ તે સ્ત્રીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ. 4 તેઓએ ઈસુને કહ્યું, “ગુરુંજી, આ સ્ત્રી એક માણસ સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે જે તેનો પતિ નથી. 5 નિયમશાસ્ત્રમાં મૂસાએ આપણને આજ્ઞા કરી છે કે આવું કામ કરનાર પ્રત્યેક સ્ત્રીઓને આપણે પથ્થરોથી મારી નાખવી. અમારે શું કરવું, તે વિષે તું શું કહે છે?”
6 યહૂદિઓ ઈસુનું પરીક્ષણ કરવા આ પ્રશ્નનો ઉપયોગ કરતાં હતા, તેઓ ઈસુને કંઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. પછી તેઓ તેની વિરુંદ્ધ આરોપ મૂકી શકે. પણ ઈસુએ નીચા વળીને તેની આંગળી વડે જમીન પર લખવાનું શુરું કર્યું. 7 યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.” 8 પછી ઈસુ ફરીથી નીચો વળ્યો અને જમીન પર લખ્યું.
9 જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે. 10 ઈસુ ફરીથી ઊભો થયો ને તેને પૂછયું, “બાઈ, તે બધા લોકો ગયા છે. તેમાંથી કોઈએ તને દોષિત ઠરાવી નથી?”
11 તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”]
પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International